આ પત્ર સફારીના તંત્રી ને મળે…..

સફારીને અલવિદા કરતી પોસ્ટના ટાઈટલ પણ જોજો સફારીના લેખમાંથી જ મળેલા હશે. આ વૈભવ સફારીએ ઉભો કર્યો છે 40-45 વર્ષની મહેનત પછી.

મેં વાંચેલા અને સાચવેલા 369 પૈકી 320 કરતા વધુ અંકોનો આ થપ્પો જુઓ છો નગેન્દ્રભાઈ? સમગ્ર વિશ્વમાં ગણ્યા ગાંઠ્યા જ મેગેઝીન હશે જેના અંકો એમના વાંચકોએ આ રીતે સાચવેલા હશે અને આ રીતે સાચવવા વાળો હું એક નહીં, હજારો છે.

પહેલા હર્ષલભાઈ એ સફારી છોડ્યું ત્યારે જ આંચકો લાગેલો અને જ્યારે થોડા અંકો પહેલા સફારીમાં જ આપના તંત્રીલેખમાં વાંચ્યું કે બધા લેખો આપ પોતે જ અલગ-અલગ નામથી લખો છો ત્યારે તમારી કર્મઠતા તરફ આદર તો વધ્યો પણ સફારીના ભવિષ્યનો અંધકાર પણ દેખાયેલો.

પોલિટિકલ પાર્ટી થી લઈ કોર્પોરેટ કંપની સુધીનું કોઈ પણ સર્જન જ્યારે માત્ર “વન મેન શો” બની જાય ત્યારે એનો નાશ નક્કી છે હું પોતે આ “વન મેન આર્મી” સંબોધનને એક ગાળ સમજુ છું. એનો સીધો મતલબ એ કે વ્યક્તિ પોતાના મિશન માટે ટીમ નથી બનાવી શકી અને ટીમ વગર તો મિશન કઈ રીતે ટકે?

કબુલ કે લોકોની કન્ટેન્ટ કન્ઝમ્પશન પેટર્ન બદલાઈ રહી છે પણ જ્યારે સફારી શરૂ થયું ત્યારે પણ લોકો સફારી જેવું તો કશું નહોતા જ વાંચતા ને? જાહેરાત માત્ર શેમ્પુની જ ના હોય ને? કેટ કેટલા બિઝનેસ છે જે ગર્વથી ઉત્તમ કોટીની અને ગ્રાહકને નુકસાન ના થાય એવી વસ્તુઓ અને સર્વિસીસ આપે છે. નગેન્દ્ર દાદા, સફારીમાં જ અનેક વાર પ્રગટ થતુ શાહમૃગનું જમીનમાં ખોસેલું મોઢું મને યાદ આવે છે, તમને આવે છે?

હવે પેઢી બદલાણી છે પદ્ધતિ બદલાણી છે તો સફારી પણ બદલાઈ શકે ને? અને સફારી બદલવા માટે સફારીના લોકો પણ બદલાઈ શકે. નગેન્દ્રભાઈ, ગુજરાતમાં સરદાર પટેલ માટે પ્રેમ અને નહેરુના નકામા સિદ્ધાંતવેડાને લીધે દેશને થયેલા નુકસાનની સમજણ એક આખી પેઢીને તમે આપી છે અને તમે હવે શું કરી રહ્યા છો?

દાદા, હજારો ઘરોમાં સચવાયેલા સફારીના થપ્પા કોઈ પદ્મ પુરસ્કારથી ઓછા નથી.

નગેન્દ્રભાઈ, તમે એટલું કામ કર્યું છે, સફારી શરૂ કરીને અને વિકસાવી ને તમે એ સિદ્ધિ મેળવી લીધી છે કે હવે તમેં ભૂલ કરવાની પરવાનગીથી ઉપર થઈ ગયા છો.

સફારી બંધ કરવું એ ભૂલ નહીં અપરાધ હશે. વિનંતી અને પ્રાર્થના કે ભૂતકાળને ભૂલી ભવિષ્ય તરફ જોઈ શકે એવા “શિષ્ય” અને સહાયકોને સફારી સોંપી ટીમ બનાવો. સફારીને પ્રિન્ટ સ્વરૂપમાં જ હજી વધુ વિકસાવો. દેશ અને દુનિયા સુધી પહોંચાડો. જો આમ થશે તો આ ધરતી હંમેશા તમારી ઋણી રહેશે. સફારી હજુ એ શિખર પર પહોંચી શકે એમ છે કે જયારે સફારી સો વર્ષ પુરા કરે ત્યારે દુનિયા આખી સફારી માટે લખશે…… એક વખત એવું બન્યું કે……..

અનેક લોકોએ કહ્યું છે એમ હું પણ કહીશ: સફારીને શરૂ રાખવામાં અને વિકસાવવામાં જો કંઈ પણ યોગદાન આપી શકાશે તો ચોક્કસ આપીશ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top