દશેરા પહેલાંની એ રાત, જેને દશેરા વિષે ખબર નથી

મધ્યરાત્રિ પછીના ત્રણ વાગ્યા છે અને સાવ આમજ વિચાર આવ્યો કે કેવી ગઈ હશે એ નાવમાં નોરતાની રાત રામ માટે?

બીજા દિવસનો સૂર્ય એક અતુલ્ય પરાક્રમ લઈને આવવાનો છે. એક અવતારપુરુષ તરીકે એ વાત એમને ખબર હશે?

કે પછી એક સામાન્ય મનુષ્યની જેમ “બસ, હવે બહુ થયું, કાલે હું નહિ, કે પછી રાવણ નહિ” એવો આક્રોશ મિશ્રિત નિશ્ચય હશે?

કે પછી એક મહામાનવ તરીકે એમણે શું પોતાના કર્મ પર જ ધ્યાન આપ્યું હશે ફળની ચિંતા વગર?

શાંતિ અને અજંપો બંનેનું પ્રમાણ કેટલું હશે એ રાત્રે કે જયારે બીજો દિવસ હજુ દશેરા નહોતો?
ઊંઘ કેટલી અને બેચેની કેટલી?
જે કાર્ય માટે જન્મ લીધો છે એ કાર્ય નું સ્મરણ અને પોતાની સ્ત્રીના અપહરણની એ ઘટના જે નિમિત્ત બની અહીં સુધી આવવા માટે એનો ક્રોધ બંને કેટલા પ્રમાણમાં હશે?

માનવ તરીકે જન્મ લીધો હતો એટલે હશે તો આ બધું જ એક સાથે.

રામની મનોદશા જેના કેન્દ્રમાં છે એ રણ મેદાન? ન ગમે તેવી શાંતિ હશેને સળગતી મશાલો વચ્ચે. યુદ્ધભૂમિ પર ઘવાયેલા વાનરો પણ હશે જ ને! કેટલાક થાકેલા, કેટલાક પીડામાં, તો કેટલાક આશામાં.

લક્ષ્મણ અને હનુમાન, જેમના માટે દિવસ અને રાત, ઊંઘ અને જાગ્રત અવસ્થા એવો કોઈ ભેદજ નથી રહ્યો હવે જીવનમાં. પોતાના નેતાના ધ્યેની પૂર્તિ એજ સર્વસ્વ છે એમના જીવનમાં, એ શું કરતા હશે?

બસ થોડાકજ કલાક દૂર વિજય છે, માત્ર આ રાતને એ નથી ખબર.

બસ હમણાજ દશેરાનો સુરજ ઉગશે અને જે રાક્ષસના અત્યાચારોમાથે પ્રજાને છોડાવવા અવતાર લીધો છે એ કાર્ય સંપન્ન થશે.

ટાઈમ ટ્રાવેલ થતી હોત તો કહી આવેત એ રામ, લક્ષ્મણ, હનુમાન અને બધાજ વાનરોને…. કે બસ આ છેલ્લી રાત છે. કાલે તો દશેરા છે.

ખુબ ખુબ શુભેચ્છાઓ દશેરાની.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *


Scroll to Top