
પુરુષોત્તમ માસ માં નવું શીખી શકાય અને પોતાની જાતને વધુ સારી બનાવી શકાય તેવા સંકલ્પનું મહત્વ છે. એ પુરુષોત્તમ માસ હમણાં 13 દિવસ પહેલાજ પૂરો થયો. જયારે શરુ થયો ત્યારે “શું કરી શકાય?” એ પ્રશ્ન સ્ફૂર્યો.
સ્વામી સચ્ચિદાનંદ દ્વારા વિષ્ણુ સહસ્ત્રનામ ની ટિપ્પણી 2 ભાગમાં લખાયેલ છે. જે ઘણા સમય પહેલા લાવેલો પણ વાંચવાનું સદ્દભાગ્ય હજુ સુધી નહોતું ખૂલેલું. એ બંને ગ્રંથો વાંચવાનું અને પૂર્ણ કરવાનું વિચાર્યું અધિક માસ માં અને ઈશ્વર કૃપાથી થયું પણ ખરું.
ગ્રંથ શરુ કરતાજ પહેલી અજાણી માહિતી એ મળી કે વિષ્ણુસહસ્ત્ર નામ એ મહાભારતનો જ ભાગ છે, ગીતાની જેમ. વેદ વ્યાસએ કેટ કેટ્લુ સર્જન કર્યું છે એ સમજવા માટે જ વર્ષો જતા રહે.
આ ગ્રંથમાંથી મેં ટપકાવેલા કેટલાક નામ, અને અન્ય ગમતી નોંધ અહીં બધા સાથે શેર કરું છું. પુરુષોત્તમ માસ અથવા અધિકમાસ શું છે એ વેશે મેં અહીં લખેલું છે.
અન્વર્થક નામ એટલે એવા નામ જેનો કશોક અર્થ હોય અને એ અર્થ વ્યક્તિમાં જોવા મળે
અનન્વર્થક નામ એટલે એવા નામ જે નામ નો કશો અર્થ ના હોય અને હોય તો એ વ્યકતિ માં બિલકુલ જોવા ના મળે.
ભગવાનનું એક નામ વિશ્વ. એટલે આ વિશ્વને શણગારવું, સવારવું, આગળ વધારવું. એને વધુ સારું અને રહેવામાટે વધુ યોગ્ય બનાવતા રહીએ એટલે ઈશ્વરની સાધના કરવી જ ગણાય.
પણ વિશ્વ એટલે શું? જે દેખાય છે અને નથી દેખાતું એ આપણી અંદર હોય કે બહાર એ બધું બ્રહ્માંડ વિશ્વ છે. આપણને આપણી પોતાની મર્યાદામાં જે અને જેટલું વિશ્વ લાગતું હોય એ સમજણને વિક્સાવતી જવી એ ઈશ્વરની આરાધના.
વિષ્ણુ – સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ, સુક્ષ્માંતીત તત્વ – smallest particle.
બધું જ એક બીજામાં સ્વાહા થઇ રહ્યું છે. હોમાઈ રહ્યું છે. એ હોમવાની પ્રક્રિયા એટલે ષટ્કાર – આજ ઉર્જા સંરક્ષણનો નિયમ?
રાવણ મંદોદરી પર ભાવ રાખે એ યોગ્ય
રાવણ સીતા પર ભાવ રાખે એ અયોગ્ય
રાવણ મંદોદરી પર અભાવ રાખે એ પણ અયોગ્ય
પોતાની અપવિત્રતાનું ભાન થવું અને રહેવું એ સંતનું પ્રથમ લક્ષણ કહેવાય
નિધિરવ્યયઃ – અખૂટ ભંડાર, જેમાંથી કશુંજ ખૂટેજ નથી તે.
વિનિયતા સાક્ષી: – અનુશાસન સાક્ષી, ભગવાન સાક્ષી તો છે. પણ વિશેષતઃ અનુશાસન ના સાક્ષી છે. જો અનુશાસિત છો, ધર્મ પાલક છો, કર્તવ્ય પારાયણ છો તો તુરંત ધ્યાન આપે છે.
પ્રાણવાયુ ની બોટલ ભરી શકાય, પ્રાણ ની નહિ.
આકાર પ્રકારમાં મોટા હોય એ જ્યેષ્ઠ
જ્ઞાન, ગુણ, સામર્થ્યમાં મોટા હોય એ શ્રેષ્ઠ.
માધવ – માં (માયા) નો “ધવ” – માયાપતિ, લક્ષ્મીપતિ. મધુ (મીઠાશ) નો ઈશ્વર – લોર્ડ ઓફ sweetness
મુદ = હર્ષ.
મોદક એટલે હર્ષ આપે તે.
પ્રમોદ જે વિશેષ હર્ષ આપે તે.
હિન્દૂ ધર્મના જ્ઞાનવાહકોના પાંચ ભાગ છે.
1) ઋષિ – જે શાસ્ત્રોનું સર્જન કરે છે.
2) આચાર્યો- જે શાસ્ત્રોનું ભાષાંતર તથા અધ્યાપન કરે છે.
3) સાધુ – જે ભ્રમણ કરી આ જ્ઞાનનું વહન કરે છે.
4) સંત – જે આ જ્ઞાનને લોક ભાષામાં ગદ્ય તથા પદ્યમાં રચે છે.
5) ભક્તો – ગાય વગાડીને કર્ણોપકર્ણ કે પુસ્તકો સ્વરૂપે આ સિદ્ધાંતો અમર રાખે છે.
કનકાંગદી – સોનાના આભૂષણો ધારણ કરનાર.
સામાન્ય લોકોની સમજ એટલે બુદ્ધિ
બુદ્ધિનું ઉચ્ચતર સ્તર એટલે પ્રતિભા
પ્રતિભામાં જયારે પવિત્રતા ધારણ કરે ત્યારે એ બને મેધા
શાંતિનું કોઈ કારણ નથી હોતું. અશાંતિના ઘણા કારણો હોય. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, મોહ, શારીરિક પીડા, આર્થિક સંકટ, માનસિક નબળાઈ અને બીજા જયારે. જયારે અશાંતિ નથી ત્યારે હોય છે શાંતિ.
કુવલે શય: એક કોષીય જળચર – અમીબા?
વિષ્ણુને એક કોષીય જળચર કહ્યા છે અહીં વિજ્ઞાન અને ધર્મનો શુભ સંગમ છે.
અનિવર્તી – કદી પીછેહઠ ન કરનાર
શ્રીવત્સવક્ષા – જે હૃદયમાં લક્ષમીને ધારણ કરે છે અને માટે તેમની છાતી પર લક્ષ્મીનું પદચિહ્ન છે એ
કાલનેમિમિનિહા:
કાલ = સમય, નેમી = મધ્યબિંદુ, મિનિહા = ભેદન કરનાર
જે સમયચક્ર થી પર છે તે.
વિષ્ણુ અવતારો, મત્સ્ય, કૂર્મ જેવા જળચર થી આગળ વધી વરાહ અને નૃસિંહ જેવા પ્રાણી તથા નર-પ્રાણી અને ત્યાર પછી પ્રથમ મનુષ્યવાતાર વામન અને પૂર્ણાવતાર કૃષ્ણ સુધી જાય છે. ઉત્ક્રાંતિની થિયરી સાથે આને કશો સંબંધ ખરો?
અનિર્દેશ્ય – જેનો નિર્દેશ કરી શકાતો નથી તે.
મૂંગી વ્યક્તિ મિષ્ટાન ખાય તો તેનો સ્વાદ વર્ણવી શકતી નથી, બસ ખાવાનો આનંદ લઇ શકે છે. એજ રીતે ઈશ્વરને જે જાણે છે તે ઈશ્વર વિષે કશું જણાવી શકતો નથી, બસ ઈશ્વરના આનંદમાં લિન રહે છે.
“નેતિ નેતિ” એ પરાજય નથી, પણ પ્રાપ્તિની ધન્યતા છે.
વિષ્ણુના બે નામ, સંધાતા અને સંધિમાન છે. સંધાતા એટલે બધાને જોડી રાખનાર અને સંધિમાન એટલે સંધિ કરાવનાર.
સમગ્ર જગત ના પ્રાણીઓ, વૃક્ષો, ધરતી થી લઈને બધાજ સંબંધોને જોડી રાખનાર અને જો ક્યારેક નાનકડી પણ ગરબડ થાય તો સંધિ કરાવી આપનાર એ વિષ્ણુ. વિષ્ણુના ભક્તો, વૈષ્ણવો પણ હંમેશા આવાજ હોવા જોઈએ.
દૂધમાં ઘી છે પણ દેખાતું નથી, તેની પ્રક્રિયા જાણનાર એ શોધી શકે છે. જો ધરતી પરનું બધું જ ઘી અલોપ થઇ જાય તો પણ એક જાણકાર માણસ દૂધમાંથી ઘી બનાવી લેશે.
ઈશ્વર દેખાતો નથી એનો મતલબ એવો નથી કે એ છે નહિ, પણ એ ક્યાં છે કઈ રીતે મેળવવો એ હજુ કોઈને ખબર નથી.
બસ છે, એટલી ખબર છે.
વાગ્મી – પ્રખર વક્તા
નૈકરૂપ – એકજ રૂપમાં સીમિત ના રહેનારા
શિપિ – કિરણો, શિપિવિષ્ટ – કિરણોનો અધિપતિ
ભારભૃત – ભાર ઉપાડનાર, શ્રમિક, મજુર.
અહીંયા હિન્દૂ શાસ્ત્રમાં પ્રથમ વખત “શ્રમદેવ”નું દર્શન મારા ધ્યાનમાં આવ્યું. હિન્દૂ સંસ્કૃતિમાં દરેક સારી વાસ્તુના દેવ છે. તો શ્રમના કેમ નહિ?
હવે જાણવા મળ્યું કે એ નામ વિષ્ણુએ સ્વયં .ધારણ કર્યું છે. અને જાણીને આનંદ થયો.
સુપર્ણ – ગરુડ
સુવ્રત સારું વ્રત ધારણ કરનાર
વ્રત એટલે નિશ્ચિત લક્ષ્ય માટે નિશ્ચિત આચાર-વિચાર અને નિયમોથી બંધાવું તે.
પેશલ – સુંદર
વિદ્વત્તમ – પૂર્ણવિદ્વાન, વિદ્વાનોમાં સર્વોત્તમ
વિષ્ણુને પણ લક્ષ્મી કહી સંભોધવામાં આવે છે, કારણ વિષ્ણુ અને લક્ષ્મી અભેદ છે.
સ્ત્રષ્ટા: સર્જક, કરનાર. જે માત્ર દ્રષ્ટા નથી તે.
આ સાથે જ આ વાંચન અને આ લેખન, બધું જ કૃષ્ણાર્પણ: