મહાત્મા ગાંધીજી ને જોયા છે?

આપણો સામાન્ય અનુભવ છે કે જે વસ્તુ અને વ્યક્તિ સતત આપણી સાથે આપણી પાસે હોય તે આપણા માટે અત્યંત સામાન્ય બની જાય છે. તેની હાજરી, અસ્તિત્વ, ગુણ, દોષ અરે ચહેરા સુધીનું બધું આપણા જીવનમાં એવી રીતે વણાય જતું હોય છે કે તેની દરકાર લેવાનું જ ભુલાઈ જાય છે. પછી એ ચહેરો માતાનો હોય, મહાદેવનો હોય કે મહાત્માનો હોય દરેક માટે આ સત્ય છે. મહાત્મા ગાંધીજી ને આમતો આપણે ઘણી વાર જોયા છે. પણ નોટો પર છપાયેલા તેમના ફોટાએ તેમને આપણા માટે એટલા બધા સામાન્ય કરી દીધા છે કે આપણે ભૂલીજ ગયા છીએ કે તે “કોણ છે”. દેશ અને વિદેશનું નાનામાં નાનું બાળક પણ એના ચહેરાના ઓળખે છે પણ એ ચહેરો રોજ એટલી બધી વખત જોવાય છે કે એ ચહેરા ને ખરેખર “જોવા” નું ક્યારેય બનતું જ નથી અને ઈચ્છા પણ નથી થતી.

ગયા અઠવાડીએ અમદાવાદમાં રહેવાનું થયું. વહેલી સવારે નીકળી થોડું ચાલ્યો. થોડું એટલે આમતો ૬-૭ કિલોમીટર જેટલું. ચાલતા ચાલતા કોઈ મકાન પર ધ્યાન ગયું. આમતો સાવ સામાન્ય મકાન કોઈ મોટું બોર્ડ નહિ લોકોની ખાસ અવાર જવર નહિ. બહાર દીવાલો પર મહાત્મા ગાંધીના કેટલાક વાક્યો લખ્યા છે અને એક નાના બોર્ડ પર સત્યાગ્રહ આશ્રમ એવું લખ્યું છે. બીજું અલગ અલગ નાનું મોટું લખાણ છે. એ બધું વાચતો વાંચતો આગળ ચાલ્યો ગયો. અચાનક શી ખબર પાછો વળ્યો. થયું લાવને અંદર જઈને જોવ.

અંદર ખાસ માણસો ન હતા. બહાર કોઈ રખેવાળ કે અન્ય કર્મચારી જેવા માણસે મકાનની અંદર જવાનો રસ્તો બતાવ્યો. આ સત્યાગ્ર આશ્રમ એ ૧૯૧૫ માં ગાંધીજી એ શરુ કરેલો કોચરબ આશ્રમ. નાનું શું સરસ મજાનું મકાન અને એક અદભુત આધ્યાત્મિક શાંતિ. કુલ મળી ને ૪ ખંડ છે નાના નાના. એક માફકસરના ખંડ માં ગાંધીજીનો એક ફોટો મુકેલ છે અને નીચે રેટીઓ છે. એ ચિત્ર સામે બેસવાનું મન થયું અને લગભગ ૨૦ મિનીટ સુધી બેઠો. એ વ્યક્તિ ને નજીક થી “જોઈ” અને એક દિવ્ય આનંદ મળ્યો. એમના ચેહરો જે કેટલાય વર્ષોથી હાથ માંથી પસાર થાય છે એ નિરાતે એક વાર જોવા જેવો છે. શાંતિ ને આનંદ ની અનુભૂતિ થશે. આ એ ફોટો છે.

Mahatma Gandhi

આ નસીબ કહો કે જે કહો તે પણ એજ દિવસે બપોર પછી ગાંધીનગર ના મહાત્મા મંદિર માં દાંડીકુટીરમાં જઈ શકાયું. આમતો હજુ ઘણું કામ થશે એમાં એવું સ્પષ્ટ દેખાઈ આવે પણ અત્યારે પણ જે રીતે મહાત્મા ગાંધી ના જીવન ને એમાં રજુ કરવામાં આવ્યું છે એ ખરેખર પ્રસંશાને પત્ર છે. લગભગ ૨.૫ કલાક સુધી આ પ્રદર્શન જોતા જોતા પ્રેમ, સત્ય, શાંતિ, આનંદ, જેવી અનેક લાગણીઓથી મન ઉભરાય ગયું. જીવનને આગળ ધપાવવાનું મોટીવેશન પણ મળ્યું. બાળક તરીકે આજથી લગભગ ૧૭-૧૮ વર્ષ પહેલા મહાત્મા ગાંધીની “સત્ય ના પ્રયોગો” વાંચેલી. હવે થાય છે એ ફરી વાંચવાનો અને સમજવાનો સમય થઇ ગયો છે.

2 thoughts on “મહાત્મા ગાંધીજી ને જોયા છે?

  1. તમારી પાસે આવી સુંદર અભિવ્યક્તિ છે, ભાવુકતા છે, વિચાર શક્તિ છે… પ્રશાંતભાઈ! આપ લખતા રહો તો ગુજરાતી ભાષાને ઘણું મળી શકે! આપ વ્યસ્ત હશો, હું સમજી શકું છું, પણ ગુજરાતી ભાષાને સારા બ્લૉગર્સની તાતી જરૂર છે. .. હરીશ દવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *