સપ્તપદી…….. પહેલા અને પછી

વેદોએ માણસના સમગ્ર જીવનના કાર્યક્ષેત્રને ચાર ભાગમાં વહેંચી દીધું છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારેય કાર્યક્ષેત્રને સફળતા પૂર્વક પાર પાડવા માટે લગ્ન સંસ્થા અસ્તિત્વમાં આવી. ધૂણી ધખાવીને બેઠેલા ભૂતનાથ કરતા પાર્વતી સાથે ગણેશને ખોળામાં લઇ ને બેઠેલા શિવજી ના દર્શન કરવામાં વધુ આનંદ આવે છે. દરેક મનુષ્યને પોતાનું જીવન સારી રીતે જીવવા માટે તેમજ તેના ચારેય કર્તવ્યો પૂર્ણ કરવા માટે એક જીવનસાથી ની જરૂર રહે છે. જીંદગી જીવવા માટે જો એક યોગ્ય સાથી મળી જાય તો માણસ ના સ્વપ્નોને શક્તિનું પીઠબળ મળી જાય અને આ શક્તિ ની મદદથી ધાર્યા કાર્યો સિદ્ધ થઇ શકે. આખરે કોઈક એવું પણ હોવું જોઈએ જેની સાથે દિલ ખોલીને વાત કરી શકો. પોતાના સ્વપ્ના કે જેને દુનિયા તરંગો સમજે છે તે તેને જણાવી શકો. પોતાના દુ:ખો અને સમસ્યાઓ વહેંચી શકો અને જરૂર પડ્યે માર્ગદર્શન પણ મેળવી શકો.

પણ આ બધું એક જ શરત પર છે. જીવનસાથી સારો મળે તો………..

હવે પ્રશ્ન એ આવ્યો કે જીવનસાથી સારો કે ખરાબ તે કેમ ખબર પડે? બસ સમસ્યાઓ અહીંજ શરુ થાય છે. સવાલ વ્યક્તિના ગુણો અને અવગુણોનો નથી સવાલ તે ગુણો અને અવગુણોને સ્વીકારી તમે આજ વ્યક્તિમાંથી તમારો મનપસંદ જીવન સાથી કઈ રીતે ગોતી કાઢો છો તે છે.

૧) સહનશક્તિ

૨) અનુકુલન (એડજસ્ટમેન્ટ)

૩) સામેવાળી વ્યક્તિ જેવી છે તેવી સ્વીકારવાની તૈયારી

જો આટલું કરી શકો તો લગ્ન જીવનની નાની મોટી તમામ સમસ્યાઓનો નિવેડો કોઈ પણ જ્યોતિષને બતાવ્યા વગર આવી જાય. એક સમય હતો કે જયારે ભારતીય સંસ્કૃતિમાં કોઈ યુવક કે યુવતીને આવું શીખવવું નહોતું પડતું. કદાચ આ બધા ગર્ભ સંસ્કારો હતા. પણ સમય બદલાયો છે. અને બદલાતા સમયમાં ઘણા ફેરફારો પણ થતા હોય છે. જગતમાં જો કોઈ એક માત્ર શાશ્વત વસ્તુ હોય તો તે પરિવર્તન છે. માટે થવું જોઈએ. યુવતીની મોટી બહેનનો ફોટો જોઈને હા પડવાનો સમય પુરો થયો. હવે લગ્ન પહેલા યુવક અને યુવતી અમુક સમય સાથે ગાળી એક બીજાને સમજી લે તે આવકારદાયક ફેરફાર છે. પણ લગ્ન જીવનના ઉપર જણાવેલા મૂળભૂત મૂલ્યો બદલાય જાય તે બરાબર ના કહેવાય.

જીવનસાથીની પસંદગી કઈ રીતે કરવી?

પહેલાના જમાનામાં છોકરા છોકરી મોટાભાગે એક બીજાને લગ્ન પહેલા જોતા નહિ. માત્ર માતા-પિતા નિર્ણય લઇ લેતા. આજે પણે પરિસ્થિતિ ખાસ બદલાણી નથી. આજે પણ છોકરા છોકરી એક બીજાને મળે તે પહેલા મંગલ-ગુરુ-શનિ વગેરે નિર્ણય લઇ લે છે. કમાલના માણસો છીએ આપણે. લગ્ન બાબત વાતે વાતે એમ કહીએ છીએ કે “જેવી ઠાકોરજીની ઈચ્છા” અને નિર્ણય લઈએ છીએ જોષી કહે તેના પરથી. કેટલું બધું સમજતા હોવા છતાં કેટલું બધું નથી સમજતા આપણે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મોઢામાં યશોદા માતાને આખું બ્રહ્માંડ બતાવી દીધેલું. અને આપણે એ જ ભગવાન ની પૂજા કરીએ છીએ તો પછી પેલા ગ્રહો શું આપણું કઈ અનિષ્ટ કરી શકે ખરા? જે લોકો જ્યોતિષ શાસ્ત્રમાં મને છે તેનો હું વિરોધ નથી કરવા માગતો પણ પહેલા યુવક યુવતી ને મળવા દો, જાણવા દો, છેવટે જ્યોતિષ ને મળો. જ્યોતિષ એ એક સંપૂર્ણ વિજ્ઞાન છે જેની અંદર તમામ સમસ્યાઓ નું નિરાકરણ છે. આમ કરવાથી તમારા પુત્ર કે પુત્રી માટે યોગ્ય પસંદગીનો અવકાશ વધશે. બાકી ૮૦ ટકા કિસ્સાઓમાં છોકરો છોકરીને ગમે તે પહેલા છોકરીનો શનિ છોકરાના ગુરુ સાથે પોતાનું જુનું વેર કાઢી લે છે અને એક સારી જોડી બનતા બનતા રહી જાય છે.

હા તો હવે સવાલનો જવાબ. જીવનસાથી ની પસંદગી કઈ રીતે કરવી? આમ જોઈએ તો બહુ સરળ છે. પહેલા પ્રથમ તો આકર્ષણથી મુક્ત થાઓ અને થોડો બુદ્ધિ નો પણ ઉપયોગ કરવાનું રાખો. ભારતીય શાસ્ત્રો મુજબ દરેક સ્ત્રી-પુરુષે જીવનમાં ચાર જવાબદારીઓ નિભાવવાની હોય છે.

૧) ધર્મ

૨) અર્થ

૩) કામ

૪) મોક્ષ

હવે આ ચાર જવાબદારીઓ અથવા તો અપેક્ષાઓને તમારી પસંદગીના મુજબ ક્રમ માં ગોઠવીદો. એટલે કે જે બાબત માં તમે બાંધછોડ કોઈ પણ સંજોગો માં ના કરી શકો તેમ હો તેને સૌથી પહેલા મુકો. અહિયા આ ચારેય વ્યવસ્થાઓને માત્ર સમજાવવાના ઈરાદાથી ઉદાહરણ તૈયાર કર્યું છે.

  • ધર્મ:
    • બંને ની જ્ઞાતિ અલગ છે. સ્વીકારી શકો?
    • ઘરમાં થોડી અગવડ ભોગવીને પણ યુવતી ગરીબ બાળકો માટે અભ્યાસની વ્યવસ્થા કરવા ઈચ્છે છે તમે આવી બાબતોમાં તેને સહકાર આપી શકો?
  • અર્થ:
    • લગ્ન પછી યુવતી નોકરી છોડવા ઇચ્છતી નથી.
    • હાલની આવકમાં બધાનું પૂરું થઇ શકશે?
  • કામ:
    • છોકરો/ છોકરી દેખાવડી તો હોવી જ જોઈએ.
    • હું તેને વફાદાર રહી શકીશ કે મારી આંખો કાયમ ચંચળ જ રહેશે?
  • મોક્ષ
    • જિંદગીના સુખ દુખમાં તે મને સાથ આપશે?
    • જીવનની ઢળતી સંધ્યાએ તે મારી સાથે હશે?

આવા તો ઘણા મુદ્દા હોઈ શકે. પણ યાદી જેમ નાની તેમ જલ્દી પરણી જવાશે !!! માટે લીસ્ટ શક્ય તેટલું નાનું રાખો. અને તેને અગત્યતાના ક્રમ મુજબ ગોઠવો. અને તે મુજબ પસંદગી કરો. બાકીની બાબતો માટે એડજેસ્ટ કરવાની તૈયારી રાખો. પણ હા જે બાબત પર તમે કોઈ પણ સંજોગો માં બાંધછોડ કરી શકો તેમ ના હો તેને માટે માત્ર ઉતાવળ ખાતર હા ના પાડી દો. તમારી અને સામે વાળાની બંનેની જીંદગી વિખાઈ જશે.

આ બધું કાર્ય પછી જયારે માંડ માંડ “ડાળે વળગો” ત્યાર પછી પણ સહનશક્તિ કેળવવાનું અને અનુકુળ થવાનું ભૂલશો નહિ. ડગલેને પગલે તેની જરૂર પડશે. દરેક ને નાની મોટી સમસ્યાઓ હોય છે. તમારે પણ રહેવાની જ. પણ પુરતી સહનશક્તિ અને અનુકુળ થઇ જવાની વૃત્તિથી ઘણો ફાયદો થશે. “શંકરદાદા” ને પણ થયો છે. જુઓને તેના કુટુંબમાં કેટલી કચકચ છે. શિવના ગાળામાં ઝેર છે માથા પર અમૃત(ચંદ્ર) છે. આ બંનેને એક બીજા સાથે નથી બનતું. પાર્વતીના વાહન સિંહ અને શિવના વાહન બળદ એક બીજાના દુશ્મન, કાર્તિકેય નું વાહન મોરને તો શિવના હાર સર્પ અને ગણેશના વાહન ઉંદર બંને સાથે વાંધો. ક્યારેક ગણેશ અને કાર્તિકેય કોણ પહેલા પરણે તે બાબતે ઝઘડો પણ કરે. અને શંકર તો સમાધિમાં બેસી જાય તો ઉઠવાની ખબર જ ના પડે. ઘરની જવાબદારીનું કઈ ભાન જ નહિ. બધા બાળકોને બિચારા પાર્વતીએ એકલાએ મોટા કર્યા. આટ-આટલી સમસ્યાઓ છતાં બધા થોડી સહન શક્તિ કેળવીને એક બીજાને અનુકુળ થઇ ગયા. ઘરની વાત ઘરમેળે પતાવી. એટલેજ કદાચ આખું બ્રહ્માંડ આખા પરિવારને નતમસ્તક થઇ પ્રણામ કરે છે.

આપ દરેક પણ પોતાને યોગ્ય જીવનસાથી બહુ ઝડપથી મેળવી લઇ ભારતીય લગ્ન પરંપરાની સુવાસ અકબંધ રાખશો તેવી હાર્દિક શુભેચ્છા.

One thought on “સપ્તપદી…….. પહેલા અને પછી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *