krishna-revolution-new-year-diwali

કૃષ્ણને આપો દિવાળીની સફાઈનો કોન્ટ્રાક્ટ

હાશ! દિવાળી આવી. એક બાજુ દિવાળી એટલે પ્રકાશ, પુજા અને પ્રેમ નો ઉત્સવ. અને બીજીબાજુ ઉત્સવની તૈયારીમાં થાકીને લોથ થઇ જવાના દિવસો. ઘરની સફાઈ કરો, ઓફિસે સફાઈ કરો, કચરાનો નિકાલ કરો, અને મણના હિસાબમાં ભંગાર આપો. થાકી જવાય હો ભાઈ. બહુ શારીરિક ક્ષમતા જોઈએ આ બધા માટે તો.

પણ મને ક્યારેક થાય કે કચરા અને ભંગારનો નિકાલ કરવા માટે શારીરિક ક્ષમતા કરતા ભંગાર ઓળખવાની આવડત અને ભંગાર બહાર કાઢવાની હિંમત વધુ જરૂરી છે. જીગર જોઈએ વાલા કશુંક ઘર કે દુકાનમાંથી કાઢતા. વસ્તુ સારી છે પણ છેલ્લા 5-10 વર્ષમાં કોઈ દિવસ ઉપયોગમાં નથી આવી કે નથી આવે એવા કોઈ સંજોગો લાગતા તો શા માટે એને સંઘરી રાખવાની? નિકાલ કરોને તો બીજાને એ કામ લાગે અને આપણે ત્યાં જરા જગ્યા થાય નાવીન્ય માટે.

આવુજ વિચારો, રીતિરિવાજો અને માન્યતાઓનું પણ નથી? ચાલો એક વાર્તા કહું…..

કારતક સુદ એકમ એટલે ગુજરાતી નવું વર્ષ. વિશાળ ભારત વર્ષમાં કદાચ માત્ર ગુજરાતી પ્રજા આ દિવસને વિક્રમ ના નવા સંવંતની શરૂઆત ગણીને નવું વર્ષ ઉજવે છે. પણ એક બાબતમાં આખું ભારત આ દિવસ માટે એક-મત છે અને એ છે શ્રીકૃષ્ણની ગોવર્ધન લીલા.

વર્ષોથી, ખબર નહિ કેટલીય સદીઓથી લોકો ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા. ઇન્દ્ર એટલે વર્ષાના દેવ. એ માનતા કે ઇન્દ્ર રીઝે તો પાણી વર્ષે, ખેડૂતો અનાજ પકવી શકે અને ગોવાળિયાઓ ઢોર સાચવી શકે. અને જો રૂઠે તો તો આ ગરીબ ગ્રામજનોથી જાણે જીવન રૂઠ્યું.

એ દિવસે પણ ગોકુળમાં ઇન્દ્રયાગ એટલેકે ઇન્દ્રના યજ્ઞની તૈયારી થઇ રહી હતી. લોકો ભક્તિભાવથી ચીજ વસ્તુઓ લાવતા હતા, સ્ત્રીઓ મંગલગાન ગાઈ રહી હતી. ૐકાર અને પ્રાર્થનાના શ્લોકો પક્ષીઓના કલરવ સાથે સુર માં સુર પુરાવી રહ્યા હતા. કોઈ કોઈ યજ્ઞશાળા સજાવી રહ્યા હતા. અને ગામના મુખી નંદબાબા બેસીને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. જરૂર પડે સૂચના આપતા જાય અને જરૂર પડે એ કામ માં હાથ પણ દેતા જાય. એવામાં નંદબાબાનો સાત વર્ષનો દીકરો કૃષ્ણ ઉઠીને આવ્યો અને પૂછ્યું બાબા…… આ શું ચાલી રહ્યું છે?
ઇન્દ્રયાગની તૈયારી ચાલે છે બેટા
ઇન્દ્રયાગ? એટલે શું? – બાળક કૃષ્ણએ પૂછ્યું
ઇન્દ્ર આપણને વરસાદ આપે છે, સંપત્તિ આપે છે, અન્ન આપે છે આપણને જીવાડે છે એટલે એમને ખુશ રાખવા સદીઓથી મનુષ્યો ઇન્દ્રનો યજ્ઞ કરે છે. – પિતાએ શક્ય એટલે સરળ ભાષામાં સમજાવતા કહ્યું

અરે આ બધું ઇન્દ્ર કરે છે? કોણ છે એ? જો એ આ બધું કરતા હોય તો એ એની ફરજ માં આવતું હશે એટલે કરતા હશે એમાં આપણે એને ખુશ રાખવા લાંચ શેની આપવાની? અને મને તો શંકા એ છે કે ખરેખર આ ઇન્દ્ર જ કરે છે? આપણને અન્ન આ ધરતી આપે છે. આ ધરતી આપણી માતા નથી? તો યજ્ઞ આ ધરતીનો કેમ ના કરવો? આ ગોવર્ધન પર નું ઘાસ ખાઈને આપણી ગાયો દૂધ આપે છે તો પૂજા ગોવર્ધનની કેમ ના કરવી? આ ઋષિઓ જ્ઞાન અને વિજ્ઞાન ની નવીનતમ શોધ કરી આપણી સુખાકારી વધારે છે અને જીવનને મંગલ કરે છે તો યજ્ઞ એમનો કેમ નહિ? અને આ શિક્ષકો આપણને જીવનઉપયોગી જ્ઞાન આપે છે અને પતનથી બચાવે છે તો યજ્ઞ આ શિક્ષકોનો કેમ નહિ?
જો એ ઇન્દ્ર ભગવાન છે તો વરસાદ આપવો અને આપણા સહુનું પાલન કરવું એ એની ફરજ છે. યજ્ઞ અને એ પણ કોઈ એવી વ્યક્તિનો કે જે યજ્ઞ રૂપી લંચ ના મળે તો પોતાનું કર્તવ્ય ના બજાવે? એને હું તો ભગવાન ના કહું. ભગવાન તો એ પરમ તત્વ છે જે આ બ્રહ્માંડમાં જીવન અને પ્રકાશ ફેલાવતા રહે. ભગવાન આ ધરતી છે, સૂર્ય છે, પાણી છે, વાયુ છે, ઋષિઓ છે, શિક્ષકો છે, માતા પિતા છે જે આપણું પાલન કોઈ વળતર કે લાંચની અપેક્ષા વગર કરે છે. અને તો પછી યજ્ઞ એમનો કેમ નહિ? અને યજ્ઞમાં વળી ઇન્દ્રને આ બધું દ્રવ્ય શાં માટે આપવાનું. જુઓ આપણા ગામનાજ કેટલાક પાસે ફળ નથી તો કેટલાક ગાડાં ભરીને ફળ લાવ્યા છે. કેટલાક પાસે દૂધ નથી અને આપણી ગૌશાળા તો દૂધની ગંગા છે. આપણે ચાલો ભગવાનના પ્રતીક રૂપે આ ગોવર્ધનની પૂજા કરીએ ગોવર્ધનનો યજ્ઞ કરીએ, આહુતિઓ આપીએ, મંત્રો અને શ્લોકોના અવિરત ગાન કરીએ. આ બધામાં ગામના બધાજ લોકો અરે જીવ માત્રને આમંત્રીએ અને જેની પાસે જે દ્રવ્ય નથી એ યજ્ઞના પ્રસાદ રૂપે વહેંચી દઈએ.

એક સાત વર્ષનો બાળક યુગો જુના ઇતિહાસને પડકારી રહ્યો હતો. સમગ્ર સભામાં સન્નાટો છવાઈ ગયો. અને જેમ બનતું હોય છે એમ મોટાભાગના “આજ-કાલની” ભાન વગરની પેઢીને મૂંગા રેહવાની શિખામણ આપવા લાગ્યા. અમુક ડાહ્યા વડીલો પણ હોય ને? કે જે સમાજે કે ભવિષ્ય એ ભવિષ્યની પેઢીનું છે. એના પર કોઈ બંધન નાખવાનો ભૂતકાળની પેઢીને કોઈ અધિકાર નથી. પરિવર્તન વગર ક્યારેય કોઈ સભ્યતા ટકી શકતી નથી. કોને ખબર ઇન્દ્રયાગ કઈ જૂની વ્યવસ્થાના પરિવર્તન રૂપે આવ્યો હશે.

થોડું સમર્થન અને ઘણો વિરોધ. પણ આતો ભાઈ કૃષ્ણ. એ કાંઈ ઘરમાં ભંગાર ચલાવી લે? વાળી ચોળી બધો વૈચારિક કચરો અને ભંગાર કાઢી નાખ્યો અને લઇ આવ્યો ગોવર્ધન પૂજાનું એક નવીનતમ વિજ્ઞાન. અને એ પણ એ સંદેશા સાથે કે જ્યારે એમ લાગે કે હવે આ પણ સમાજ માટે કલ્યાણ કરનાર વિચારને બદલે એક ભ્રષ્ટ જડ પરંપરા બની ગઈ છે ત્યારે બદલી નાખજો આને અને આપજો આ સમાજને નવીનતમ વિચાર. હું તમારી સાથે હોઈશ.

આ કૃષ્ણને એક વાર જીવનના દિવાળીકામનો કોન્ટ્રાકટ આપવા જેવો છે, કોઈ પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન વગર. દર વર્ષે નવી દિવાળી, નવું વર્ષ, નવા વિચારો અને નવું જીવન આપશે એ. મનીબેક ગેરેન્ટી સાથે.

જય શ્રી કૃષ્ણ
શુભ દીપાવલી
નૂતન વર્ષાભિનંદન