અતિ સર્વત્ર વર્જયેત : કુટુંબમાં પણ

Family

ભારતના પશ્ચિમીકરણની વાતો, વિરોધ અને સમર્થન બહુ વર્ષો થી થતું રહ્યું છે. સમર્થન કરનારા અને વિરોધ કરનારા બંને પોતપોતાની વાતો સાબિત કરવા માટે ગમે તે પ્રકારના ઉદાહરણ અને અનુકરણનો આશ્રય લઇ લેતા હોય છે. પરંતુ સ્વામી વિવેકાનંદથી લઈને અબ્દુલ કલામ સુધીના દરેક ડાહ્યા માણસો એક બાબતે સાવ સ્પષ્ટ છે કે ભારત અને પશ્ચિમ બંનેનું યોગ્ય પ્રમાણમાં સંયોજન એજ આદર્શ છે. આપણા શાસ્ત્રો પણ કહે છે… અતિ સર્વત્ર વર્જયેત, કોઈ પણ બાબતમાં મધ્યમ માર્ગજ ઉત્તમ માર્ગ છે.

ભારતની કોઈ જો સૌથી મોટામાં મોટી તાકાત હોય તો એ આપણી કુટુંબ વ્યવસ્થા છે. અને આજ નબળાઈ પણ બની રહે છે. સારા ખરાબ પ્રસંગોમાં પરિવારજનોની હૂંફ માણસને મળી રહે તો આગળ વધવા માટે બીજું કશું ના જોઈએ. પરંતુ આજ પરિવાર ઘણી વાર જયારે વ્યક્તિનું કરીઅર, જીવનસાથી અને આખું જીવન નક્કી કરવા બેસી જાય ત્યારે ગળાફાંસો બની રહે. આપડે ત્યાં સંતાનોના ભણતર કે ધંધા માટે માતા-પિતાને પોતાના પીએફ ઉપાડી લેવાના, લોન લીધાના અને ઘરેણાં કે ઘર વેચી દીધાના દાખલાઓ મળી રહેશે. પણ ફરજીયાત પણે સરકારી નોકરીમાંજ ઘુસવા માટે સંતાનો ને ધમકાવતા અને ક્યારેક લાફો ખેંચી લેતા વાલીઓ પણ પાર વગરના છે.

જે પશ્ચિમને આપણે ગાળો દઈએ છીએ ત્યાં બાળકોને પોતાના કરીઅર કે લાઈફ પાર્ટનર માટે કોઈ પણ પ્રકારનું દબાણ નથી અને એટલેજ શ્રેષ્ઠ કક્ષાના ઉદ્યોગ-સાહસિકો, રમતવીરો, વિજ્ઞાનીઓ, ચિત્રકારો અને દરેક ક્ષેત્રના સાહસિકો પશ્ચિમે મહત્તમ આપ્યા છે. પણ નબળી કુટુંબ વ્યવસ્થાની આડ અસર રૂપે તૂટેલે લગ્નો અને નબળા સંબંધો અત્યંત સામાન્ય બની ચુક્યા છે. 16-18 વર્ષના છોકરા છોકરીઓ ને પૂછો કે ક્યાં રહો છો તો કહેશે “આઈ લિવ ઈન માય પેરેન્ટસ” હાઉસ. (હું મારા માતા પિતાના ઘરમાં રહું છું.) અને બહુ મોટા કિસ્સાઓમાં આ સંતાનો એ રહેવાનું ભાડું પણ ચુકવતા હોય છે.

તો પછી સારું શું? માધ્યમ માર્ગ. અને એ ભારતની કુટુંબ વ્યવસ્થામાં બતાવેલો જ છે. આશ્રમ વ્યવસ્થા દ્વારા

પહેલા 25 વર્ષ સુધી, રમો, ભણો, સંશોધન કરો, પ્રવાસ કરો, બસ કોઈને કોઈ રીતે નવું શીખો

પછીના 25 વર્ષ તમારા માટે અને સમાજ માટે સંપત્તિનું સર્જન કરો, તમારું કુટુંબ વિકસાવો

ત્રીજા 25 વર્ષ તમારા અનુભવનો બીજાને લાભ આપો (જો કોઈ માગે તો), નવી પેઢીના પ્રશ્નોના જવાબ આપો (જો પૂછે તો), વધારાની સંપત્તિનું નવી પેઢીમાં રોકાણ કરો, સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો (જ્યાં ખરેખર જરૂર હોય ત્યાં). અત્યારે એવું થઇ ગયું છે કે આ ઉંમરની વ્યકતિ કુટુંબ માટે અને સમાજ માટે સૌથી મોટું નડતર અને ન્યુસન્સ બનતી હોય છે. નવી પેઢી સાથે તાલ મેળવી ના શકે, પોતાની મમત છોડી ના શકે, બધા પાસે પોતાનું ધાર્યુંજ કરાવવું હોય. જો સામે વાળા એ કરે તો એની જિંદગી ખરાબ થઇ હોય અને જો ના કરે તો કુટુંબ માં મહાસંગ્રામો થતા રહે.

છેલ્લા 25 વર્ષ શક્ય હોય તો જાતેજ કુટુંબથી અલિપ્ત રહી આધ્યાત્મિક સાધનામાં લિન રહો, વહુ રસોડામાં રસોઈ બનાવતી વખતે શું શું ખાઈ લે છે એ છાના માના જોયા ના કરો, સંતાનો ની જાસૂસી ના કરો અને એ પોતાના સારા કપડાં કે ખાવા પીવા પાછળ બે પૈસા વાપરે તો ટોક્યા ના કરો. હવે એ એની સંપત્તિ છે અને કેમ વાપરવી એ એને નક્કી કરવા દો.

મારા અવલોકોનો પર આપનો અભિપ્રાય અને ટીકા આવકાર્ય છે નીચે કમેન્ટ સેક્શનમાં.