ફરે તે ચરે, બાંધ્યો ઘોડો ભૂખે મરે

ગઈ કાલે રાત્રે સ્વામીનારાયણ અક્ષરપુરશોત્તમ સંસ્થાન (બી એ પી એસ) દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મ મિસ્ટિક ઇન્ડિયા જોઈ. આ સંસ્થા દ્વારા પ્રોફેશનલ ઢબે કરવામાં આવતા ધર્મ અને સેવા કર્યોના લીધે તેના પર મને વિશેષ માન છે. મંદિરની ચોક્ખાઈ, કાર્યકરોની વર્તણુક, સંતોનો અભ્યાસ આ બધાની તોલે આવી શકે તેવા બહુ ઓછા સંપ્રદાયો છે.

ફિલ્મ ભગવાન સ્વામીનારાયણના બાળપણ એટલેકે નીલકંઠ પર છે. કઈ રીતે અગિયાર વર્ષનો બાળક નીલકંઠ પોતાનું ઘર છોડી ૭ વર્ષમાં ૧૨૦૦૦ કિલોમીટરની પગપાળા યાત્રા કરી ભારત ભ્રમણ કરે છે તે આ ફિલ્મમાં બહુ સુંદર રીતે બતાવ્યું છે. આધ્યાત્મિક રીતે જો ભૂલી જઈએ કે એ ઈશ્વરનાજ અવતાર હતા તો ચોક્કસ પણે કહી શકાય કે નીલકંઠની સ્વામીનારાયણ સુધીની યાત્રા અને આ ભારત યાત્રા બંને એક જ છે. આ યાત્રા એજ તેમને એક વિશાળ સંપ્રદાયની સ્થાપના માટે ઘડ્યા છે.

અને આ માત્ર તેમના માટેજ નહિ લગભગ દરેક મહાન વ્યક્તિ માટે સાચી વાત છે. શંકરાચાર્ય અને વલ્લભાચાર્ય થી માંડી સ્વામી વિવેકાનંદ સુધીના સિદ્ધ પુરુષોએ ભારતભરની યાત્રા કરી છે. અને સ્વામી વિવેકાનંદે તો સીમાઓ વટાવી વિવિધ દેશો અને ખંડોની યાત્રા કરેલ છે. પ્રાચીન ભારતના રામ અને કૃષ્ણ હોય કે મધ્ય યુગના ચાણક્ય. ભારતને એક સુત્ર થી બાંધનાર સમ્રાટ ચંદ્રગુપ્ત હોય કે ખરેખર આપ બળે ભારતના મહા પ્રધાન બનનાર નરેન્દ્ર મોદી. આ સર્વના જીવનને જો જોવામાં આવે તો એક વાત સ્પષ્ટ પણે સામાન્ય મળી આવશે અને તે છે એમના જીવનમાં એમણે કરેલ પ્રવાસો. આજ પ્રવાસોએ આ મહામાનવોને જીંદગી જીતવાનું ભાથું બાંધી આપ્યું. હજારો લોકો નો સંપર્ક, ઠેક ઠેકાણેથી મળેલ જીવનોપયોગી સમજણ, અલગ અલગ સંસ્કૃતિનો પરિચય આ બધું મનુષ્યને એવું જ્ઞાન આપે છે જે પુસ્તકો માંથી પણ કદાચ નથી મળતું. એટલેજ તો ગોપાલકૃષ્ણ ગોખલે એ મોહનદાસ ગાંધીને ભારત એક પણ ભાષણ કાર્ય વગર એક વર્ષ સુધી સમગ્ર ભારતની યાત્રા કરવાનું સુચન કર્યું હતું. આ યાત્રા જ મોહનદાસ ની મહાત્મા સુધીની યાત્રા બની ગઈ.

એટલેજ આપણા શાસ્ત્રો માં પણ યાત્રા કરવા અને દેશ વિદેશો જોવા કહેવામાં આવ્યું હશે. દરેક નવયુવાનો એ પોતાના વર્ષનો અમુક ભાગ યાત્રા અને પ્રવાસ પાછળ કાઢવો જોઈએ. માતા પિતાએ બાળકના વિકાસનાં આ મહત્વપૂર્ણ સાધનને ભૂલવું ના જોઈએ. બીઝનેસમેને ધંધાને વધારવા માટે હમેશા ક્ષિતિજની બહાર જોતા શીખવું જોઈએ.

કહે છે ને, ફરે એ ચરે, બાંધ્યો ઘોડો ભૂખે મરે.