નિષ્ફળતાના દોરડાથી બંધાયેલો હાથી

એક જગ્યાએ એક વખત એક હાથીને એક પાતળા દોરડાથી બાંધેલો હતો. રસ્તા પરથી પસાર થતા માણસે આ જોયું. તેણે મહાવત ને પૂછ્યું, આતે વળી કેવું? એક પાતળા દોરડાંથી તમે આ હાથી ને બાંધી રાખ્યો છે? એ કઈ રીતે અંકુશમાં રહે આનાથી? જો એ જરા અમસ્તી સુંઢ ખેચે તો પણ દોરડાના કટકા થઇ જાય. અને નવાઈ તો એ વાતની છે કે એમ છતાં હાથી શાંતિથી બંધાઈને ઉભો છે. છુટવા માટે બિલકુલ પ્રયત્ન જ નથી કરતો. આવું કેમ?

હાથીના મહાવતે કહ્યું, આ હાથી જયારે નાનું બચ્ચું હતું ત્યારે અમે તેને આજ દોરડાથી બાંધતા. ત્યારે એ નાનું બચ્ચું હોવાથી આ દોરડું તોડી ના શકતું. એ પ્રયત્નો કરતુ પણ દોરડાના બંધનમાંથી છૂટી ના શકતું. ધીરે ધીરે પ્રયત્નો મૂકી દીધા. હવે એ બચ્ચું હાથી થઇ ગયો છે. પણ એજ દોરડાંમાં બંધાઈ રહે છે.

આપણા માંથી ઘણાની પરિસ્થિતિ આ હાથી જેવી છે. એક વખત બે વખત કે પાંચ વખતની નિષ્ફળતાને લીધે પ્રયત્નો કરવાનું છોડી દે છે. એ લોકોને ખબર નથી હોતી કે તેમની પાસે કેટલી શક્તિ છે. નિષ્ફળતાઓએ  એમને કેટલા મજબુત બનાવ્યા છે, સફળતા માટે કેટલા તૈયાર કર્યા છે. બસ નિષ્ફળતાના માનસિક દોરડાં સાથે હમેશા બંધાયેલા રહેછે. એવા દોરડાં સાથે કે જે એક જ ઝટકામાં તૂટી જાય એમ છે.