ભ્રષ્ટાચારની વ્યાખ્યા

ભ્રષ્ટાચારે ભારતને આગ લગાડી દીધી છે. અને હવે ભ્રષ્ટાચાર ભગાવવાનું અંદોલન પણ આખા દેશને ધમરોળી રહ્યું છે. હિન્દુસ્તાનની બધી પ્રજા નિર્માલ્ય છે, સ્વાર્થી છે, દેશ માટે કશું કરી શકે તેમ  નથી તેવી માન્યતાને આ અંદોલન ને કઈ નહિ તો “બધી” શબ્દ કાઢવો પડે એટલી તો નબળી પાડી છે.

પણ શું છે આ ભ્રષ્ટાચાર? ૧ માર્કના જવાબ માં કહીએ તો….

જે પોતાના હકનું નથી તે મેળવવા માટે કરવામાં આવતા અનૈતિક પ્રયાસો એટલે ભ્રષ્ટાચાર.

પોતે કરેલ ભૂલની સજા માંથી બચવા અથવા બીજા પર થોપવા માટે કરતા અનૈતિક પ્રયાસો એટલે ભ્રષ્ટાચાર.

પોતાની ફરજ કોઈ બીજા પર થોપવા માટે કરતા અનૈતિક પ્રયાસો એટલે ભ્રષ્ટાચાર.

શું આપ આ કોઈ પણ વ્યાખ્યા માં આવો છો?

૧) ટ્રાફિક પોલીસ લાયસન્સ વગર ગાડી ચલાવતા પકડે ત્યારે પતાવટ કરીને, કે ઝઘડીને કે વગનો ઉપયોગ કરીને નીકળી ગયા છો?

૨) ૧૮ વર્ષની નાના તમારા સંતાનને ગાડી ચલાવવા આપો છો?

૩) તમારું બાળક વાંચતું હોય ત્યારે તેને ડીસ્ટર્બ ના કરીને કામવાળી બાઈના રમતા બાળકને તમારા માટે બીડી લેવા મોકલ્યો છે?

૪) ઓફિસમાં કામ પૂરું ના કરીને પુરો પગાર મેળવ્યો છે?

૫) પટાવાળા કે બીજા અભણ કર્મચારીને સમજાય નહિ એ રીતે તેનો પગાર કાપી લીધો છે?

જો આ અને આના સિવાય બીજું કઈ પણ તમે કર્યું હોય તો આપ ભ્રષ્ટાચારી છો. ખુન એક કરો કે દસ કહેવાય તો એ ખુની જ. માટે જો આપે ક્યારેય બસ માં ૪ વર્ષની બેબીને ૩ વર્ષની કહીને ટીકીટના પૈસા બચાવ્યા હોય તો સમજવું કે આપની જગ્યા રાજા અને કલમાડી ની બાજુમાંજ છે.

કોઈના હક પર તરાપ મારવી અને પોતાની ફરજના બજાવવી એ ભ્રષ્ટાચારની મૂળભૂત વ્યાખ્યાઓ છે. કોઈ મંત્રી એક લાખ કરોડ રૂપિયા ખાઈ જાય છે ત્યારે એ પોતાના હકની બહારનું લેવાની કોશિશ કરે છે અને ભ્રષ્ટ આચરણ કરે છે. બસમાં મનાઈ હોવા છતાં, પોતે ડ્રાઈવર હોવાના ગુમાનમાં જયારે પોતેજ બીડી પીવે છે ત્યારે એ પણ ભ્રષ્ટાચાર જ છે.

હું લોકપાલ કે અન્નાજીના આંદોલનને પૂરું સમર્થન આપું છું. પણ આ ભ્રષ્ટાચાર કોઈ પણ લોકપાલ દુર કરી શકશે નહિ. આને દુર કરવાનો એક માત્ર રસ્તો લાંબા ગાળાનું શિક્ષણ, માતા પિતાના સંસ્કારો અને, ધર્મનું આચરણ જ છે.