શ્રવણ કથા…..

શ્રવણ. જ્યાં સુધી આ ધરતી પર એક માદા એક બાળકને જન્મ અપાતી રહેશે ત્યાં સુધી આ નામ આ ધરતી પર ગુંજતું રહેશે. ઈશ્વરે સર્જેલી પ્રજોત્પ્તીની ક્રિયા જ્યાં સુધી શરુ રહેશે ત્યાં સુધી શ્રવણને લોકો યાદ કરતા રહેશે. કારણકે માતા-પિતા અને તેના સંતાન વચ્ચેના સંબંધો, ફરજો અને લાગણીઓ માટે શ્રવણ એ એક બેચ-માર્ક બની ગયો છે. હજારો કે લાખો વર્ષ થયા આ વ્યક્તિને આ ધરતી પર. પણ આજે એકવીસમી સદીમાં પણ કોઈ સારા સંતાનને શ્રાવણ ઉપનામ મળે છે અને માતા-પિતાને પરેશાન કરનારા કોઈ નઠારા સંતાનને કલિયુગના શ્રવણકહેવામાં આવે છે. શ્રવણના આંધળા માં-બાપ પોતાના એકના એક દીકરાને મોટો કરે છે અને ઉમરલાયક થતા પરણાવે છે. સ્ત્રી કર્કશા મળે છે અને શ્રવણના આંધળા માં-બાપ ને રાખવા રાજી નથી. જે સ્ત્રી પોતાના માં-બાપને રાખવા રાજી નથી તેને રાખવા પોતે પણ રાજી નથી, શ્રવણ પોતાની પત્નીને તેના પિતાના ઘેર પાછી મોકલી દે છે. પોતે એક કાવડ બનાવી માતા-પિતાને તેમાં બેસાડી દરેક તીર્થમાં ફરે છે. આ દરમ્યાન દશરથના બાણથી તેનું મૃત્યુ થાય છે.

કથાતો બહુ સીધી છે આમ જોઈએ તો. ધરતી પરના ઈશ્વર એવા માતા-પિતાની મૃત્યુ પર્યત સેવા કરવાનું ભાગ્ય મળ્યું એવા એ શ્રવણને કોટી વંદન. એનાથી પણ વધારે ધન્યવાદ કે ભવિષ્યની પેઢીઓ માટે તેણે એક રાહ ચીંધી બતાવી.

પણ…….

શું ખરેખર એ રાહે અત્યારે ચાલી રહ્યા છીએ આપણે? મારે જે વાત કહેવી છે. તે તદ્દન જુદી છે.

સામાન્ય રીતે સંતાનો બે પ્રકારના હોય છે. એક માતા પિતાની અજ્ઞા માની તેમને સાચવીને જીવનારા. અને બીજા એ કે જેમને એક વાર મોટા થઇ ગયા એટલે મોટા કરનારની કોઈ જરૂર નથી રહેતી એવા. આ બીજા પ્રકારના લોકોને તો ભગવાન માફ કરે બીજું શું. પણ વાત કરાવી છે પહેલા લોકોની.

આ પહેલા પ્રકારના લોકોમાં ખરેખર શ્રવણ કેટલા? હું એવું માનું છું કે આ શ્રવણના પાત્રને આપણે બહુ ખોટી રીતે અપનાવી લીધું છે. ખાસ કરીને દરેક પેઢીના માતા-પિતાએ પોતાના સંતાનોને મારી મચડીને શ્રવણ બનાવી દીધા છે અથવા બનાવવાની કોશિશ કરી છે.

માતા પિતાનો સંપૂર્ણ આદર કરવો જરૂરી છે. સવારે ઉઠીને તેમને પગે લાગી આશીર્વાદ લેવાથી દિવસ જરૂર સારો જશે. વૃદ્ધાવસ્થામાં જયારે તેઓ શારીરિક અને માનસિક રીતે અશક્ત હોય ત્યારે તેમની દરેક સારી નરસી વાતો અને જરૂરિયાતો સમજવી જ જોઈએ. માત્ર પોતાની આઝાદી માટે માતા-પિતાને છોડી દેવા કે વૃદ્ધાશ્રમમાં મુકવા એતો કદાચ તેમની હત્યા કરતા પણ મોટું પાપ કહેવાય.

પણ શું એ જરૂરી છે કે ૩૦ વર્ષના દીકરાએ પોતાની પત્ની સાથે ફિલ્મ જોવા જવું હોય તો માતા-પિતાને પૂછવું જ પડે અને જો હા કહે અને પૈસા આપે તોજ જવું જોઈએ? ૫૦ વર્ષના સંતાને તેની પોતાની દીકરીનું એડમિશન ક્યાં લેવું તે પોતાના ૮૦ વર્ષના પિતાને પૂછીનેજ નક્કી કરવું જોઈએ? યુવાન પુત્ર જો પોતાની પસંદગીની જીવાનસાથી મેળવી માતા-પિતા સાથે રહેવા તૈયાર હોય તો પણ તેણે મારીને અથવા મારી નાખીને પરાણે શ્રવણ બનાવવાનો કોઈ મતલબ ખરો?

હું મારી સામે એવા ઘણા કિસ્સા જોવ છું. જેમાં સંતાનને ખરેખર પોતાના માતા-પિતા પ્રત્યે મનથી પ્રેમ હોય, આદર હોય પરંતુ માતા-પિતાની પોતાના સંતાનને પરણે શ્રવણ બનાવવાની જીદ માંથી પરિવારનો નાશ થયો હોય. મારો એક મિત્ર મને ફરિયાદ કરતો હતો. અમારી પોતાની દુકાન છે. પિતા એ શરુ કરેલી પેઢી છે. સારો ધંધો છે. રૂપિયાની કોઈ ખોટ નથી. દુકાનનો બધોજ વહીવટ હું જ સંભાળું છું. પણ નાણાકીય વ્યવહાર આજે પણ મારા બા અને બાપુજી સંભાળે છે. મારે પત્ની અને પુત્રો સાથે ફિલ્મ જોવા જવું હોય તો મારા બા પાસે આજે પણ ૨૦૦-૫૦૦ રૂપિયા માગવા પડે છે. ક્યારેક તે આપે છે, ક્યારેક ના પાડી દે ત્યારે મારી હાલત મારી પત્ની અને પુત્રો સામે કફોડી થાય છે. અમારી દુકાનમાં કામ કરતા માણસનો પગાર ૧૨૦૦૦ રૂપિયા છે મહિને. તે આરામથી જીવે છે. અને પોતાના કુટુંબ સાથે મજાથી ફરે છે. મને તો થાય છે આના કરતા ક્યાંક નોકરી કરું તો મને આવી તકલીફ તો નહિ.આ મિત્રને પોતાના માતા પિતા માટે પૂરી લાગણી અને પ્રેમ હતો. પણ આ રીતની રોજ રોજ ની નાની મોટી કચ-કચ વધતી ગઈ અને એક સમયે તે દુકાન અને ઘર બંને માંથી જુદો થઇ ગયો.

આતો બહુ મોટી વાત થઇ. પણ કોઈ વ્યકિતને શંકરમાં શ્રદ્ધા હોય તો પણ તે મંદિરે જઈ શકતો નથી કારણકે તેના માતા પિતા સ્વામીનારાયણ કે કોઈ અન્ય ભગવાન માં માને છે. એવા કેટલાયે લોકોનું કરિયર મેં ખતમ થતા જોયું છે જે પોતાના માતા પિતાના દબાણને લીધે પોતાને ગમતા વિષયો નથી ભણી શકતા અથવા ગામ છોડીને ક્યાંય બહાર નથી જઈ શકતા.

માતા પિતાનું કામ છે સંતાનને યોગ્ય અયોગ્યનું ભાન કરાવવાનું. તેની આંગળી પકડી કઈ આખી જીંદગી ના ચલાવી શકાય તેને.

ફરજ, લાગણીઓ, આઝાદી અને વ્યક્તિગત ખુશીઓ આ ચારેયનું જયારે યોગ્ય મિશ્રણ થાય ત્યારેજ શ્રવણ કથા બને. માથાફોડી કરીને નહિ.