ભારત – દિવાર થી દબંગ સુધી……

એક ગરીબ માતા ખુબ સામાજિક, માનસિક અને આર્થિક કષ્ટો વેઠીને પોતાના બે છોકરાઓને ઉછેરી રહી છે. મોટો છોકરો થોડા તેજ મગજનો છે. માતા અને મોટો છોકરો કાળી મજુરી કરીને પોતાના સંતાન અને નાના ભાઈને યોગ્ય ખાવાનું અને શિક્ષણ મળતું રહે તેવી વ્યવસ્થા કરે છે. મોટો છોકરો મજુરી કરતા કરતા આડા રસ્તે ચડી જાય છે. અસામાજિક કામ કરતા કરતા અસામાજિક તત્વ બની જાય છે. નાનો છોકરો ભણી એક પોલીસ અધિકારી બને છે. મોટાની પાસે ખોટે રસ્તે કામાયેલી બેસુમાર સંપત્તિ છે જયારે નાના પાસે પ્રમાણિકતા છે. દુખી માતા પોતાના સંતાનને ભૂલી તો નથી શકાતી પણ મોટાની ખોટા રસ્તે કમાયેલી સંપત્તિ છોડી નાનાની એક રૂમ માં રહેવા જતી રહે છે. અને નાનો ભાઈ હિન્દી ફિલ્મોના ઇતિહાસ નો સીમાચિન્હ સમાન ડાયલોગ બોલે છે. “મેરે પાસ માં હેં.”

તાળીઓ, સીટીઓ અને ચિચિયારીઓથી થીયેટર ગાજી ઉઠે છે. જોનારો પ્રેક્ષક ઝૂમી ઉઠે છે. પ્રમાણિકતા આગળ ધૂળ ચાટતી થયેલી ગુંડાગીરીને લીધે દરેક સામાન્ય વ્યક્તિની છાતી ગજ ગજ ફૂલે છે.

વર્ષો વીતે છે, દાયકાઓ વીતે છે. ઘણું બદલાય છે. સમાજ બદલાય છે અને ફિલ્મો પણ બદલાય છે. ફરી એક માં પોતાના બે સંતાનો સાથે પરદા પર આવે છે. સાવકા હોવાના લીધે મોટા અને નાના વચ્ચે નાનપણથી જ વૈમનસ્ય છે. મોટો છોકરો મોટો થઈને પોલીસ ઓફિસર બને છે. જ્યાંથી મળે ત્યાંથી પૈસા લુટી ઘરભેગા કરવા તે તેનું કામ છે. કોઈ તેમાં બાકાત નથી રહેતું. રિશ્વત, ભ્રષ્ટાચાર, દાદાગીરી, હપ્તાખોરી થી માંડી માનસિક ત્રાસ આપવા સુધીના તમામ કામ એ કરે છે પોલીસ બનીને. નાનો પણ કઈ ઓછો નથી, મોટાએ ભેગા કરેલા રૂપિયા ચોરી પોતાના કામ કરી લે છે. માતા ઘરે મોટાના પૈસા સાચવે છે. જીવની જેમ સાચવે છે. એટલા સાચવે છે કે અનીતિથી ભેગા કરેલા રૂપિયા સાચવવામાં પોતાનો જીવ પણ આપી દે છે. હીરો બદલો લે છે, ડાયલોગ પર ડાયલોગ મારે છે. છેલ્લે સુધી પૈસાની ભુખ શમતી નથી. અને ફિલ્મ પૂરી થવાના સમયે પણ બહુ નફફટાઈ થી, ભેગા કરેલા રૂપિયાનો હિસાબ કરે છે અને………………………

તાળીઓ, સીટીઓ અને ચિચિયારીઓથી થીયેટર ગાજી ઉઠે છે. જોનારો પ્રેક્ષક ઝૂમી ઉઠે છે. અને અપ્રમાણિકતા તથા ભ્રષ્ટાચારને મળેલી જીત થી દરેક સામાન્ય વ્યક્તિની છાતી ગજ ગજ ફૂલે છે.

૩ દાયકામાં આટલું પરિવર્તન આવ્યું છે આપણા સમાજ માં. દીવાર થી દબંગ સુધી.

જન્માષ્ટમીની શુભકામનાઓ

ગ્વાલ દેત હૈ હેરી ઘર ઘર,

બાજત ઢોલ, પખાવજ, બાંસુરી…

પ્રગટ્યો કંસ કો બૈરી ઘર ઘર…

ગ્વાલ દેત હૈ હેરી…

કૃષ્ણ એટલે કંસ નો વેરી. કૃષ્ણત્વ એટલે કંસત્વ નો નાશ કરનાર. આપણા સહુની અંદર પણ આજે જન્માષ્ટમીના દિવસે કંસ ના વેરી નો જન્મ થાય એવી સહુને શુભેચ્છાઓ.

જયશ્રી કૃષ્ણ