માઓવાદ, નક્સલવાદ, આતંકવાદ, છેવટે તો આ બધું આપણું જ પાપ

નક્સલવાદીઓ અને અને આતંકવાદીઓએ જાણે ભારતની વસ્તી યેન કેન પ્રકારે ઘટાડવાનોનો નિશ્ચય કર્યો હોય તેમ રોજ ૧૦૦-૨૦૦ વ્યક્તિઓને કોઈને કોઈ રીતે મોતને ઘાટ ઉતારી દે છે. બોમ્બ બ્લાસ્ટ, વાહનો ઉડાડવા, રેલ્વે ના ટ્રેક તોડવા, છુરાબાજી, ગોળીબાર આ બધું જાણે આ લોકોની રાષ્ટ્રીય રમત હોય તેમ પુરા ઉત્સાહથી આ પ્રવૃત્તિઓ કરે છે. નિયમિત કરે છે. અને આપણે હમેશા પ્રેક્ષકો બની “તાળીઓ” પાડીએ છે. આ વાદીઓ નું શું કરવું, તેને મારવા કે નહિ, સજા કરાવી કે નહિ તે અલગ પ્રશ્ન છે. મારે જે આજે કહેવું છે તે બહુ જુદી વાત છે. મેં આજે અહી લખેલી વાત કેટલાક લોકોને નહિ ગમે. પરંતુ સાચું તો કહેવું પડે તેમ છે એટલે કહીશ.

ગુજરાતના રાજકોટ ની નજીક પાનેલી નામનું એક ગામ છે. આ પાનેલી ગામમાં આજથી લગભગ ૨૦૦-૨૫૦ વર્ષ પહેલા પુંજા વાલજી નામનો એક વૈષ્ણવ ધર્મ પાળતો માણસ પોતાના કુટુંબ સાથે રહેતો હતો. આખું કુટુંબ ચુસ્ત વૈષ્ણવ. તુલસી ક્યારે દીવો થાય ત્યાર પછી જ ઘરમાં ચૂલો સળગે. આર્થિક સ્થિતિ અતિશય તંગ. એટલે કેટલાયે દહાડા એવા હોય કે ઘરમાં ચૂલો ના સળગે પણ દીવો જરૂર થાય. આ ધર્મ પારાયણ પુંજા પોતાની દરિદ્રતાથી ત્રાસી ગયેલો. ઘરમાં ખાવાના વાંધા. છોકરા ભુખથી રડે અને ટળવળે. કોઈ કાયમી કામ ધંધો નહિ. નાતમાં કોઈ મદદ ના કરે. એક વખત આ પુંજા ને ક્યાંક થી એક કામ મળી આવ્યું. માછલા વેચવાનું. ઘડીક તો પૂંજાના રુંવાડા ઉભા થઇ ગયા. મરજાદી વૈષ્ણવ અને માછલાનું કામ? પણ વળી ઘરની પરિસ્થિતિ નજર સામે આવી. અને ક-મને આ કામ સ્વીકારી લીધું. પણ નાતમાં અને ગામ માં તરત ભડકો થયો. વૈષ્ણવ થઇને માછલા નું કામ કરેછો? છી….છી….છી…. પુંજાને નાત બાર મુકાયો. હવેલી માં પ્રવેશવા પર પ્રતિબંધ મુકાયો. કોઈ બોલે નહિ, કોઈ અડે નહિ. નાના છોકરાવ સાથે કોઈ રમે નહિ. પુંજો ગીન્નાયો. જયારે મારા છોકરા ભૂખે મારતાતા ત્યારે આ નાત ક્યાં ગઈ હતી તે હવે મને નાતબાર મુકે છે? બરોબર એજ સમયે આગાખાન ભારત આવ્યા હતા અને આ વિસ્તારમાં જ હતા. પુંજો તેની પાસે પહોચી ગયો. અને બીજા પોતાની જેવા હજારો અછુતો અને નાત બાર મુકયેલાઓની સાથે મુસ્લિમ બની ગયો. ઘેર પાછા ફર્યા પછી વળી પસ્તાવો થયો. એટલે હવેલી માં ગયો. અને માછલાનો ધંધો મૂકી દેવાની અને ફરી વૈષ્ણવ ધર્મ સ્વીકારવાની વાત કરી. પણ પોતાને ઠાકોરજી થી પણ વધુ મહત્વના સમજતા ચોખલિયા મહારાજોએ ના પડી અને પુંજાને કાઢી મુક્યો. આ ધર્મ ના ઠેકેદારો ભૂલી ગયા કે ખુદ ભગવાને કેવા કેવા લોકોને પોતાના ગળે વળગાડીને તેમનો ઉદ્ધાર કરેલો. ખેર આ બાજુ હવે પુંજા માટે બીજો કોઈ રસ્તો હતો નહિ. જેમ તેમ ચાલે રાખ્યું. પણ પુંજો જીવ્યો ત્યાં સુધી ઘરમાં તુલસી ક્યારો પણ રહ્યો અને દીવો પણ થયો. મૂળ ધર્મ મુસ્લિમ. આ પુંજાનો એક છોકરો શરીરે એકદમ નબળા બંધનો હતો એટલે તેનું નામ ઝીણો પડ્યું હતું. આ ઝીણાના લગ્ન થયા અને કોઈ મુસ્લીમ સાથીદારની સાથે કરાંચી રહેવા જતો રહ્યો. આ ઝીણા ને એક છોકરો થયો તેનું નામ મહમદ પાડવામાં આવ્યું જેને આપણે મહમદઅલી જીણા તરીકે ઓળખીએ છેએ. તેમની બીજી ઓળખાણ પાકિસ્તાન ના સ્થાપક અને ભારતના કટ્ટર શત્રુની. તેમનું સ્થાપેલું પાકિસ્તાન રૂપી બગલ બચ્ચું આજે ભારતને દીવાસે કે રાત્રે ઊંઘવા નથી દેતું. એક તરછોડાયેલા અછૂત વૈષ્ણવના સંતાનનું સર્જન આજે આખા ભારતને લોહીના આંસુએ રડાવે છે. ભારત અને પાકિસ્તાન (બાંગ્લાદેશ પણ) માં રહેલા તમામ મુસ્લીમો માંથી કદાચ ૯૯% મુસ્લીમો બે રીતે મુસ્લિમ બન્યા છે.

૧) મુઘલ સામ્રાજ્યના અત્યાચારથી

૨) એનાથી પણ વધુ હિંદુ સમાજ ના ધાર્મિક અને અછુતવાદના અત્યાચારથી.

જે હિન્દુઓને મંદિરમાં પ્રવેશવાનો હક નહોતો, પ્રવેશે તો ઢોર માર મારીને મારી નાખવામાં આવતા તેઓ મસ્જીદ (અને ચર્ચ) ના શરણે ગયા. હિંદુ પૂજારીઓના અંધશ્રદ્ધાના ખોટા જાળમાં ફસાયેલા દરિદ્રોએ છેવટે મૌલવીઓનો હાથ પકડ્યો. પ્રેમના એક સ્પર્શથી આખી જીંદગી તડપતા રહેલા લાખો લાખો અછુતો મુસ્લિમ બની ગયા. કુવા કે નદી પરથી જેને પીવા માટે પાણી પણ ના ભરવા દેવાતું તે છેવટે જાય ક્યાં?

હવે એક જુદો કિસ્સો જુઓ. વાત ખાલી ૩૫ વર્ષ પહેલાની છે. બિમલ કિસાન નામના પશ્ચિમ બંગાળના ખેડૂતે અતિશય ખરાબ આર્થીક પરિસ્થિતિમાં પોતાનું ખેતર શાહુકાર ને ત્યાં ગીરવે મુકેલું. વ્યાજનું દુષ્ચક્ર એવું કે ક્યારેય બહાર ના નીકળી શકાય. આ વ્યજ્ખોરીનો સાચો નમુનો પણ જોઈલો……

શાહુકાર : જો પટેલ તમે અમારી પાસેથી ૫ મહિના પેલા ૧૭ રૂપિયા વ્યાજે લઇ ગયેલા બરાબર? હવે સત્તર પંચાં પંચાણું થાય. તમે ૫ મહિના પર ત્રણ દિવસ મોડા આવ્યા એટલે ૩ રૂપિયા બીજા. એટલે ૯૮ અને ભૂલ ચૂકના બે રુપયા એમ કુલ ૧૦૦ રૂપિયા આપો.

આ મજાક નથી આ દેશ ના લાખો અભણ ગરીબ ખેડૂતો અને આદિવાસીઓ આજે પણ ૨૦૧૦ માં પણ આજ રીતે જીવે છે.

હા, તો હવે આગળ. બિમલે જે શાહુકાર પાસે ખેતર ગીરવે મુકેલું તે ખેતર માં તે મજુરી કરતો. અને તે મજુરી ના બદલામાં તેને દર વર્ષે કુલ ઉપજ ના ૫% (જી હા ૫%) અનાજ મળતું. જેમાં તેણે તેના પરિવારને પોષવાનું. અનેક વર્ષો ની કાળી મજુરી પછી બિમલ થાક્યો અને ન્યાય માટે કોર્ટ માં ગયો. બિમલ ને ન્યાય પણ મળ્યો. અને શાહુકારને જમીન પાછી આપવાનું ફરમાન કરવામાં આવ્યું. પણ ન્યાય એટલે વળી શું? બીજા દિવસે પોલીસ અને શાહુકારના ગુંડાઓ બંને બિમલ ને ત્યાં ગયા અને ઢોર માર માર્યો. આજુ બાજુ ના થોડા મિત્રોએ પ્રતિકાર એટલે બીજા દિવસે ફરી સશસ્ત્ર પોલીસ આવી અને ૨ નાના બાળકો સહીત ૧૧ લોકોને બન્ધુકથી વીંધી નાખ્યા. લાખો દરિદ્રોનો રોષ ભડકી ઉઠ્યો. બિમલ જે ગામ માં રહેતો હતો તેની બાજુમાંજ આવેલા નક્સલબાડી નામના ગામમાં લોકો રોડ પર ઉતારી આવ્યા. શાહુકારોની ઐસી તૈસી કરી, પોતાની જમીનો પર પાછો પોતાનો કબજો જમાવી લીધો. તીર કમઠા લઇ, શાહુકારો, તેમના પાળેલા કુતરા જેવા પોલીસો અને સરકારી અમલદારોને મારવાનું શરુ કર્યું. સમાજે પહેરવા માટે એક કપડું અને ખાવા માટે એક દાણો નહોતો રહેવા દીધો એવી આ પ્રજાએ શરુ કરેલું આ આંદોલન નક્સલવાદ ના નામે આજે આખા ભારતને ધ્રુજાવે છે.

પરિસ્થિતિ આજે પણ એવીજ છે. મારા એક અંગત મિત્ર ને બે વર્ષ પહેલા પશ્ચિમ બંગાળ માં થયેલો અનુભવ : ઘરમાં કુલ ચાર સ્ત્રીઓ હતી. ચાર સ્ત્રીઓની વચ્ચે પહેરવા માટે ચીથરેહાલ એક જ લાંબુ કપડું હતું. જેને કામ હોય તે એક સ્ત્રી એ ચીથારું વીટાળીને બહાર આવે બાકીની અંદર જ રહે.

અને માત્ર ૩ મહિના પહેલા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓરિસ્સા ગયેલા મારી માતાનો અનુભવ : એક બિસ્કીટનું પેકેટ જો વહેચવા માટે જઈએને તો ૫૦૦-૧૦૦૦ માણસો નું ટોળું પાછળ દોડે એ લેવા માટે. શરીર પર બંને કપડા પહેર્યા હોય એવા પુરુષો તો લગભગ જોવા જ ના મળે. અને એક વાર તો અમે જમેલી એંઠી પાતાળ ગાય પાસે મૂકી તો ૩૦-૪૦ લોકો એમાંથી ઝુંટવી ઝુંટવી ને એ એઠું પણ ખાઈ ગયા.

ભારતના ૮૩.૬ કરોડ લોકો ની રોજ ની આવક ૨૦ રૂપિયા કરતા ઓછી છે. દુરના જંગલો અને ગામડાઓ માં દર વર્ષે ૧૦ લાખ બાળકો સારવારના અભાવે મૃત્યુ પામે છે. આ દેશના કરોડો લોકો આજે પણ સુકવેલુ ઘાસ, ફૂલ અને પાંદડા ખાય છે ને તેનાથી મરે છે.

આતંકવાદ કે નક્સલવાદ ની હિંસાને છવારવાનો બિલકુલ પ્રયાસ નથી કરતો. પણ આજે પણ આપણે ભારતીયો નાત જાત ના વાડા પાડી સમાજ ને બરબાદ કરી રહ્યા છીએ. આજે પણ આ દેશ માં એવા લાખો લોકો છે જે અછૂત હોવાથી મંદિરમાં પ્રવેશ નથી શકતા. આજે પણ એવા કરોડો લોકો છે જે ભુખના માર્યા બહાવરા બની રસ્તા પર ભટકે છે. આપણા પૂર્વજો નું પાપ આપણે ભોગવીએ છીએ. અને આપણા દ્વારા હજુ આ પાપ ચાલુ છે. ખબર નહિ આપણી ભાવી પેઢી કેટલું ભોગવશે.

વિચારદાન – શ્રેષ્ઠ દાન, હિંમત દાન – મહાદાન

આ દુનિયામાં આપવાવાળા લોકો ઘણા છે. ભારતમાં પણ છે અને ભારતની બહાર પણ છે. કોઈ અન્નનું દાન કરે છે તો કોઈ જળ નું. કોઈ રહેવામાટે ઘરનું દાન કરે છે તો કોઈ પહેરવા વસ્ત્ર નું. વિદ્યાદાનથી લઇને કન્યાદાન સુધી અલગ અલગ પ્રકારના દાન નો મહિમા સદા રહ્યો છે અને રહેવાનો છે. મંદિરોથી લઈને જળાશયો સુધીના દાન કરવા વાળા દાનવીરો આપણા દેશ માં સદા થતા રહ્યા છે. જેમણે હમેશા કઈ ને કઈ આપવામાં જ સુખ અને શાંતિ મેળવ્યા છે.

પણ તમને શું લાગે છે આજના સમયમાં સમાજને અને લોકોને સૌથી વધુ જરૂર ક્યાં દાનની છે? મારા મત મુજબ લોકોને સૌથી વધુ જરૂર છે “વિચાર દાનની”, “સહનશક્તિના દાનની” અને “દુખના સમયે જરૂર પડતી હિંમત ના દાનની”

આ દાન કોઈ નથી આપતું. ગીતા શું છે? અર્જુનના પડતીના સમયમાં ભગવાન કૃષ્ણે તેને જે વિચારોનું દાન કર્યું તેનું નામ ગીતા. ભગવાને ક્યારેય અર્જુનને તીર ચલાવતા શીખ્યું નથી કે તેના વતી લડાઈ લડી નથી. તેમણે બસ તેને વૈચારિક હિમત આપી જેનાથી અર્જુન પોતાની લડાઈ લડી શક્યો અને જીતી શક્યો.

ચોરે અને ચૌટે રખડતા અને ભટકતા અને આત્મહત્યા સુધી પહોચતા આજે કેટલાયે અર્જુનો એકાદા મજબુત વિચાર ને અભાવે પોતાના જીવતર બરબાદ કરે છે પણ ક્યાય કોઈ કૃષ્ણ “અવેલેબલ” નથી.

જોકે કૃષ્ણ બનવું તો શક્ય નથી. પણ મુદ્દાની વાત છે વિચારોના દાન ની. પરીક્ષામાં નાપાસ થતો વિદ્યાર્થી ઈચ્છે છે કે કોઈ તેને કહે “એલા યાર કઈ વાંધો નહિ આવતા વર્ષે ફરીવાર વાત. એક વિષયમાં નાપાસ થયો તે કઈ જીંદગી થોડી પૂરી થઇ ગઈ?” ધંધામાં નિષ્ફળ જતો પતિ ઈચ્છે છે કે તેની પત્ની તેને કહે “આખા વરહના સોખા ઘરમાં ભર્યા સે. ખાઈ ને હંધાય જલસો કરશું. તમતમારે તમારી મેનત કરોને” પ્રેમ માં નાસીપાસ થયેલ પ્રેમિકા ઈચ્છે છે કે કોઈ તેને કહે “હશે ઈશ્વરે તારા માટે કઈક વધુ સારું ગોઠવી રાખ્યું છે. તારા નસીબ માં જે હશે તે તને યોગ્ય સમયે મળી જશે. તું તારા સંગીત ના ક્લાસમાં ધ્યાન આપ”.

જો આવા વિચાર દાન કરનારા દાનવીરો મળી જાય તો ઘણાની જીંદગી જીવવી સરળ બની જાય.

(તા.ક. ઇન્ડિસ સર્વિસીઝ અને પ્રશાંત મામતોરા ફાઉંડેશન દ્વારા ગઈ દિવાળી પર છપાવવામાં આવેલી અને વિનામુલ્યે અપાતી પુસ્તક “શક્તિદાયી વિચારો” ની પ્રસ્તાવનાના આ બ્લોગમાં અંશો લીધેલા છે. આ પુસ્તકની ૪૦૦૦ નકલો છપાઈને વિતરિત થઇ ચુકી છે. હવે આવતી દિવાળી (૫/૧૧/૨૦૧૦) પહેલા બીજી ૬૦૦૦ નકલો છપાવવાની મારી અંગત ઈચ્છા છે. બાકી જેવી ભગવાનની મરજી.)

અને…. આમ લુંટાયુ સોમનાથ…..

ઈ.સ. ૧૦૨૬નું વર્ષ હતું. આ પહેલા ૧૫ વખત મહમુદ ગઝની ભારત આવી ચુક્યો હતો. સોનાની આ ચીડીયાને લુટવા માટે. દરેક વખતે બેહિસાબ સંપત્તિ લુટી તે ખુબ આરામથી ફરી પોતાના દેશ પાછો ચાલ્યો જતો. આ વર્ષે ફરી તેણે ૧૬મિ વખત ભારતને લુંટવાનું નક્કી કર્યું અને ફરી એક વખત નિશાન હતું ગુજરાતના દરિયા કાંઠે આવેલું સોમનાથ. ધનના અખૂટ ભંડાર ધરાવતું આ ધર્મસ્થાન સંપત્તિની બાબતમાં બેજોડ હતું. મંદિરમાં ભગવાનની સેવા માટે ૧૦૦૦ પુજારીઓ હતા. યાત્રાળુઓના મુંડન માટે ૩૦૦ વાણંદ હતા. શિવજીના અભિષેક માટે રોજે રોજ ગંગાજળ ૧૯૦૦ કિલોમીટર દુરથી લાવવામાં આવતું. સોના ચાંદીના આભૂષણોનો કોઈ હિસાબ કોઈ પુસ્તક માં મળતો નથી. આ બધું નિભાવવા માટે સોમાનાથ ની આજુબાજુના ૧૦૦૦૦ ગામોની જાગીર આ મંદિરને મળી હતી.

આવી સંપત્તિ લુટવામાટે કોઈ પણ કેમ ના આકર્ષાય? મહમુદ ગઝની પણ આવ્યો. સોમનાથના મંદિર ને સંપૂર્ણ પણે લૂટ્યું. ૫૦૦૦૦ ભક્તોએ મંદિરને બચાવવા આડાશ કરેલી તે બધાને મારી નાખ્યા. શિવ લિંગ ના ટુકડા કર્યા. માર્ગમાં આવતા દરેક શિવ મંદિર ના લિંગ ના પણ ટુકડા કર્યા. આ બધા ટુકડા તે પોતાની સાથે લેતો ગયો અને ગઝની ખાતે નવી બંધાતી મસ્જિદના પગથીયા માં આ બધા ટુકડા જડી લીધા.

ગુસ્સો આવે છે મહમુદ ગઝની પર? પણ આતો હજી એકજ ભાગ છે. હવે બીજો ભાગ વાચો.

એ વખતે ગુજરાત રાજ્ય તો ન હતું પણ અણહિલવાડ નામની જાગીર હતી. સોલંકી વંશના રાજાઓની આ જાગીર અતિશય મોટી કહેવાતી. પાટણથી રાજ ચલાવતા આ રાજાઓનું રાજ્ય આજના લગભગ મોટાભાગના ગુજરાત માતો હતુજ. પરંતુ ભીમદેવ સોલંકી નામના રાજાએ સેકડો કિલોમીટર દુર આવેલું સિંધ પણ જીતી લીધું. સિંધ પ્રાંતમાં એ સમયે હમીર સુમરા નામના મુઘલ રાજાને તેણે હરાવ્યો. પરંતુ ભીમદેવ જયારે ત્યાં સિંધમાં લડતા હતા એ સમયે માળવાના રજા ભોજએ પાટણ પર આક્રમણ કરી દીધું. પાટણ અને અણહિલવાડ માં સંપત્તિને નામે મીંડું રહ્યું. પાછા ફરી થોડા સમય પછી ભીમસેન એ ભોજ રાજા પર આક્રમણ કરી તેને હરાવ્યો. અંદરો અંદરની આ લાંબી અને વિનાશકારી લડાઈમાં ભીમસેન અને ભોજ રાજા દરેક રીતે ખતમ થઇ ગયા. એજ સમયે મહમુદ ગઝની સોમનાથ પર આક્રમણ કર્યું. અને વાયા પાટણ સોમનાથ સુધી પહોચ્યા. નબળો પડેલો ભીમદેવ દુરના કિલ્લામાં સલામત જતો રહ્યો. નાના નાના સુબાઓ અને સરપંચોને ભેગા કરી ૨૦,૦૦૦નુ હથિયારબંધ લશ્કર તૈયાર કર્યું. પણ જંગલ માં સંતાઈ રહ્યો. એ આશયથી કે જયારે ગઝની પાછો ફરશે ત્યારે તેણે પડકારશે. આ તરફ ગઝનીએ સોમનાથ લુટી પાછા ફરવા માટે જુદો રસ્તો પકડ્યો અને ભીમદેવ નું લશ્કર જંગલમાં વાટ જોતું રહ્યું.

૫૦,૦૦૦ બિન કેળવાયેલા અને યોગ્ય શાસ્ત્રો વગરના ભક્તો કે જે સોમનાથ ને બચાવવા આવ્યા હતા તે તમામને ગઝનીએ મારી નાખ્યા. તેમને ભીમદેવના ૨૦૦૦૦ કુશળ સૈનિકોનો સાથ મળી ગયો હોત તો?

ભીમદેવ જયારે મુઘલો સામે લડતો હતો ત્યારે ભોજ રાજાએ ભીમદેવની મદદ ના કરી તો કઈ નહિ આક્રમણ ના કર્યું હોત તો?

ભીમદેવના લશ્કરને બીજા રાજાઓએ સોમનાથ બચાવવા માટે લશ્કર અને હથિયારોની મદદ કરી હોત તો?

હવે ગુસ્સો કોના પર આવે છે ગઝની પર કે બીજા કોઈ પર? કે પછી ક્યારેય એક ના થઇ શકતા આપણા ભારતીયોની માનસિકતા ઉપર?

ગુસ્સા કરતા દુખની વાત એ છે કે ૮ જાન્યુઆરી ૧૦૨૬ ના રોજ ગઝની એ સોમનાથ લૂટ્યું તે વાતને લગભગ ૧૦૦૦ વર્ષ થઇ ગયા. આજે પણ આ દેશમાં રોજ કોઈને કોઈ વિદેશી આવીને અક્ષરધામ, રઘુનાથ મંદિર, રેલ્વે સ્ટેશન, દુકાન, સંસદ ભવન કે જ્યાં ફાવે ત્યાં લૂટ ચલાવી જાય છે, બોમ્બ ફોડી જાય છે અને લોકોને મારી જાય છે. અને આ જયારે બનતું હોય છે ત્યારે ભારતના કેટલાક રાજ્યો નદીનું પાણી કોને મળે તે માટે બસો સળગાવતા હોય છે. એક રાજ્ય ના લોકો પોતાના શહેરમાં આવેલા પરપ્રાંતીયની નિર્દયતા પૂર્વક ધોલાઈ કરી રહ્યા હોય છે. એક જ જ્ઞાતિની બે પેટા જ્ઞાતિઓ રીઝેર્વેશન કોને મળે તે માટે એક બીજાના લોહી પી રહ્યા હોય છે. એક જ સાધુ એ ઉભા કરેલા બે સંપ્રદાય ના ભક્તો પહેલા કોની જય બોલાવવી તે માટે મંદિરમાં જ એક બીજાના કપડા ફાડી રહ્યા હોય છે. અને એક રાજ્યના લોકો પોતે અલગ ભાષા બોલતા હોવાથી પોતે અલગ થવા માટે અબજો રૂપિયાની સંપત્તિનો સર્વનાશ કરતા હોય છે.

બીજા તો કોઈને મારે કશું નથી કહેવું. બસ ભગવાન સોમનાથને એક શિખામણ આપવી છે. હેં ભગવાન તમે હજુ આ દેશમાં સલામત નથી. તમે તમારી રક્ષા તમારી જાતે કરી લેશો. અમારી પાસે કોઈ અપેક્ષા રાખતા નહિ.

અફસોસ કે આ દેશમાં માત્ર ભીમદેવ અને ભોજ જ પાક્યા. વ્યક્તિગત રીતે આપણે ગમે તેટલું કમાતા હોઈએ. માં કે બાપના જીવ બચાવા માટે પણ જો આપણી કમાણી ભેગી કરી એક ના થઇ શકીએ તો શું જરૂર છે આપણી ઘરમાં?

ધર્મ ઉપદેશો અને તેનું અર્થઘટન

ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે…

યચ્ચાપી સર્વ ભુતાનામ બીજમ તદ્હમ અર્જુન, ન તદ્સ્તી વિના યત્સ્યાન માયા ભૂત ચરાચર.

અર્થાર્થ : એવું કશુજ ચલ કે અચલ તત્વ નથી જે મારા વિનાનું હોય.

દુનિયાની બધી આસ્તિક પ્રજા ઈશ્વરને માને છે.  મૂળભૂત રીતે તો તેઓ એવું માને છે કે કોઈ એવી શક્તિ છે જે આ બધું કરી રહી છે. એક એવી શક્તિ કે જેને ક્યારેય કોઈએ જોઈ નથી. પણ અનુભવે છે ખરા. અને કદાચ એટલેજ એ શક્તિને દરેક પોતાની રીતે વર્ણવે છે.

એક નાની પણ મજાની રમુજી વાર્તા.

એક ગુરુએ પોતાના શિષ્યને ઉપર મુજબની વાત કરેલી. ઈશ્વર ના અસ્તિત્વ વિષે અને સર્વવ્યાપકતા વિષે. શિષ્ય એક વાર રસ્તા પરથી જતો હતો. એક ગાંડો હાથી ત્યાંથી નીકળ્યો. જે કઈ રસ્તામાં આવે તેણે કચડી નાખે. બજારમાં નાસભાગ મચી ગઈ. હાથી મહાવતના કહ્યા માં નહોતો. હાથી પર બેઠા બેઠા મહાવત બરાડા પાડી પાડીને લોકોને દુર રહેવા જણાવતો હતો. એમ કરતા આ શિષ્ય હાથીની સામે આવી ગયો. મહાવતે દુર થઇ જવા કહ્યું. શિષ્યને ગુરુની વાત યાદ આવી ગઈ. બધા માં ઈશ્વર છે, બધું જ ઈશ્વર છે. આવો ઉપદેશ યાદ આવતા જ શિષ્યમાં હિંમત આવી ગઈ. તેણે વિચાર્યું. મારે ડરવાની શી જરૂર? આ હાથીમાં પણ ઈશ્વર છે. કઈ ઈશ્વર થોડાકને મને કચડી નાખવાના છે? આમ વિચારી ત્યાને ત્યાજ ઉભો રહ્યો. મહાવતે ઘણી રાડો નાખી પણ શિષ્ય ખસ્યો નહિ.  લાલઘુમ આંખો અને ફાટેલો દિમાગ. ડોલતો ડોલતો હાથી નજીક આવવા લાગ્યો. ઈશ્વર પર અતુટ શ્રદ્ધા રાખીને શિષ્ય ખુબ શાંત ભાવે ઉભો રહ્યો. હાથી નજીક આવ્યો. શિષ્યને સુંઢમાં પકડીને ઉચકી લીધો. શિષ્યના તો મોતિયા મરી ગયા. મનમાં બબડવા લાગ્યો કે આ હાથીમાંના ઈશ્વરને શું થયું? હાથીએ સુંઢમાજ રાખી શિષ્યને ૨-૪ આંટા ફેરવ્યા અને પછી ઘા કરી દીધો. શિષ્યનાં હાડકા ખોખરા કરી થઇ ગયા. ૨-૪ જણા ઉપાડી તેને આશ્રમમાં ગુરુ પાસે લઇ આવ્યા અને જે બન્યું તે સઘળી વાત કરી? થોડી વાર રહીને શિષ્ય ભાનમાં આવ્યો. ગુરુને ફરિયાદ કરવા લાગ્યો. તમારો ઉપદેશ માની હું ખસ્યો નહિ. મને થયું હાથીમાં ઈશ્વર છે એટલે મને કઈ નહિ કરે. પણ તમે મને ખોટો ઉપદેશ આપ્યો. ગુરુ બોલ્યા. તને મહાવતે ત્યાંથી દુર ખસી જવાનું કહ્યું હતું? શિષ્ય એ કહ્યું હા. ગુરુ બોલ્યા તો શા માટે ત્યાંથી દુર ના ગયો? જો હાથીમાં ઈશ્વર હોય તો મહાવત માં પણ હોય કે નહિ? તને મહાવતે દુર રહેવા સમજાવ્યો પણ તું ના માન્યો. ઈશ્વરની વાત ના માન્યો એટલે બીજા ઈશ્વરે તને સજા આપી…..

આપણું બધા લોકોનું પણ આવું જ છે. ધર્મના તમામ ઉપદેશોને દરેક પોતાની રીતે અર્થઘટન કરે છે અને સુખ અથવા દુખ ભોગવે છે. અને આ ચાલતું જ રહેવાનું. જેની જેવી વિવેકબુદ્ધિ દુઃખોનું પ્રમાણ એટલું ઓછું.

જીન્દગી અને જવાબદારી

માદા ઝીરાફ હમેશા ઉભા ઉભા બચ્ચાને જન્મ આપે છે. તેથી જન્મ ની સાથેજ બચ્ચું જમીન પર જોરથી પછડાય છે. ત્યાર બાદ તરતજ માતા પોતાના બચ્ચાને ચાટે છે, વહાલ કરે છે અને પછી તેની પાછળ જઈ એક લાત મારે છે. તેથી બચ્ચું ઉભું થઇ ચાલવાની કોશિશ કરે છે. પરંતુ તાજુજ જન્મેલું બચ્ચું અશક્તિને લીધે ફસડાઈ પડે છે. ફરી માતા એક લાત મારે છે અને બચ્ચું ઉભું થઇ ચાલવાની કોશિશ કરે છે. આમ માતા વહાલ કરતી જાય છે અને લાત મારતી જાય છે. આમ ત્યાં સુધી ચાલુ રહે છે જ્યાં સુધી બચ્ચું ટટ્ટાર ઉભું રહેતા અને ચાલતા ના શીખી જાય.

માણસ જાત માં કદાચ આવી માતા નિર્દય કહેવાય નહિ? પરંતુ ઝીરાફ આવું એટલા માટે કરે છે કે જો બચ્ચું ત્યાં ને ત્યાજ પડ્યું રહે તો તરતજ કોઈ હિંસક પ્રાણી આવી તેનો કોળીઓ કરી જશે. તેને બચાવી શકાય તે માટે એક માત્ર રસ્તો તેને પોતાની મેળે સક્ષમ કરવાનો છે. માટે ઝીરાફ કદાચ પીડા અનુભવની ને પણ પોતાના બાળક ને લાતો મારી પગભર કરે છે.

આ બાબત આપણે માણસ જાતે ખાસ શીખવા જેવી છે. ખાસ કરીને આપણી ભારતીય પ્રજાએ. નાનપણથી પાણી માગે તો દૂધ હાજર થાય અને સવારે ઉઠતાની સાથેજ બ્રશ પર પેસ્ટ પણ માતા લગાડીને આપે એવા ઉછેરમાં કાતો બાળકો સાવ નબળા બને છે અથવા છાકટા થઇ ફરતા રહે છે. બંને માં તે પોતાને, કુટુંબને અને સમાજને માત્ર અને માત્ર નુકશાનજ કરે છે.

બાળકને પોતાની જવાબદારીઓનું ભાન થાય તે જરૂરી છે. યોગ્ય ઉમરે પોતાને નડતા પ્રશ્નો પોતે જ ઉકેલે તે શીખવવું પણ જરૂરી છે. અને પોતના જીવનમાં જે કઈ બને છે તે સર્વ માટે તે પોતેજ જવાબદાર છે નહિ કે બીજા તે સમજાવવું પણ અત્યંત જરૂરી છે. ઝીરાફનું બચ્ચું જો પોતાની જગ્યા પર પડ્યું રહે અને કોઈ પ્રાણી તેને નુકશાન પહોચાડે તો??? ઝીરાફની માતા તેને એમ નહિ કહે “હત…. પેલા સિંહ ને હત….. તેણે તને આવું કર્યું….. તેતો સાવ ગાંડો છે…. હત……”.