તેજ પ્રતાપ મહા જગ વંદન — જય હનુમાન

કહો તો વટકણ મધુ

કહો તો રત્નાકર ડારું

કહો તો જાવ પાતાળ શેષ વાસુકી સહારું

કહો તો જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું

કહો તો સબક દઈ સબ દૈતન કો મારું

હનુમંત કહે સુન રામ પ્રભુ મેં વાનર નિયતી કરું

આખી લંકા ઉખેડ રાવણ સમેત દક્ષણ સે ઉત્તર ધરું.

 

લંકાના રણ મેદાન માં ઈન્દ્રજીતના બાણ થી જયારે લક્ષમણ મૂર્છિત થાય છે ત્યારે રામ કહે છે “છેક હિમાલયમાં દ્રોણાચલ ઉપર સંજીવાની છે તે સૂર્યોદય પહેલા કોણ લાવી શકે? હવે મારો ભાઈ ક્યારેય જીવતો નહિ થાય.”

આ સવાલ ના જવાબમાં હનુમાન ઉપરની પ્રતિજ્ઞા લે છે. અને ઉપરાંત કહે છે. “કદાચ જો હું આવું એ પહેલા સુર્ય ઉગીજાય તો બ્રહ્માંડ માં જેટલા પણ સુર્ય છે તેને મારી મુઠીમાં લઇ બધાના ભૂકા કાઢી નાખીશ. અને સુર્ય ના ઉદય માટે ચંદ્ર એ અસ્ત થવું પડે. આજે મારી રજા વગર જો ચંદ્ર અસ્ત થાય તો ચંદ્રને નીચોવી નાખી તેનું અમૃત હું લક્ષ્મણ ને પાઈશ પણ તેને હું મારવા નહિ દઉં. માટે તમે ચિંતા ના કરો”

આજે હનુમાન જયંતી છે. હનુમાન એ વીરરસ અને ભક્તિ રસનું અદભુત મિશ્રણ છે. પરીક્ષામાં પાસ થવા માટે હનુમાનજી સામે માયકાંગલા ની જેમ ઉભા ઉભા હનુમાન ચાલીશાના પાઠ કરતા લોકોને હનુમાન ની તાકાત ક્યારેય નહિ સમજાય. જો ખરેખર હનુમાન ને સમજવવા હોય તો એક વખત મોરારીબાપુની રામ કથામાંથી સુંદરકાંડ સંભાળો. અથવા એનાથી પણ વિશેષ. ઈશ્વરદાન (અથવા ઈશરદાન) ગઢવી નામના ચારણી સાહિત્યકારનું “અન્જનીનો જાયો” એક વખત સંભાળો. ૬૨ મીનીટની તેમની આ સીડી બજારમાં મળે છે. ઈન્ટરનેટ પર પણ છે જ. વીરતા શું છે અને હનુમાન શું છે તે તેમાંથી જાણવા મળશે. વીરરસ અને ભક્તિ રસથી છલો છ્લ એવી આ કથામાં છંદ અને દુહાની અદભુત રમઝટ છે. એકવાર ધ્યાન દઈ ને સંભાળે તો કાયરના પણ રુંવાડા ઉભા થઇ જાય અને નબળા લોકોનું કદાચ બ્લડ પ્રેશેર વધી જાય.

મને લાગે છે ભારતમાં આજે રામની જરૂર નથી પણ જરૂર છે હનુમાન અને જટાયુની. રામાયણના આ બે પાત્રો પ્રત્યે મને અનહદ માન છે. પોતાની આંખ સામે કે પાતાની હાજરી માં કોઈ ખોટું કામ થતા આ બંને જોઈ ના શક્યા. બસ એટલેજ પોતાના જીવના જોખમે પણ અન્યાયનો સામનો કરવા તૈયાર થઇ ગયા. બાકી આમ જોઈએ તો લૌકિક રીતે તેમને રામ સાથે સ્નાન સુતકનો પણ સંબંધ નહોતો. ખાસ કરીને જટાયુને. તેમણે તો ક્યારેય રામ કે સીતાને જોયા પણ નહોતા. પણ મારી હાજરીમાં રાવણ એક સ્ત્રીનું આ રીતે અપહરણ કરી ના શકે તેમ વિચારી રાવણ ને રોકવા બનતા પ્રયાસો કર્યા અને મરણ ને શરણ થયા. આ જટાયુ વૃત્તિ ની આજે ભારતમાં બહુ તંગી છે. થોડા જટાયુ અને થોડા હનુમાનની જરૂર છે આ દેશને હવે.

રામ નવમી પર હાર્દિક શુભકામનાઓ

આજે રામ નવમી છે. મર્યાદા પુરષોત્તમ પ્રભુ તો શ્રી રામચંદ્રજી નો જન્મદિવસ.

આપણી ભરતીય પ્રજાની ખાસિયત છે. ભગવાન બનાવી દેવાની. પછી ભલે તે સ્વયમ ઈશ્વર હોય કે સારા કાર્ય કરનાર કોઈ મનુષ્ય. ભારતની પ્રજા તરતજ તેને ભગવાન બનાવી દેશે, પૂજવા લાગશે. પાંચ, દશ કે પચાસ વર્ષ પછી કોઈને ખબર પણ નહિ હોય કે શા માટે આની પૂજા થાય છે. બસ એ ભગવાન છે એટલે. કદાચ આમાં આપણી પલાયનવાદી વૃત્તિ પણ કામ કરે છે. ગમે તે સમસ્યા હોય, ઈશ્વર ની રાહ જોવી, ઈશ્વરને તે સોપી દેવું, ઈશ્વર પાસે દોડી જવું, આ વૃત્તિ બે કારણે હોય શકે.

૧) અતુટ શ્રદ્ધા અને ભક્તિ. જેમકે મીરાં અને નરસિંહ. જીવાડે તો પણ તે અને મારે તો પણ તે.

૨) પલાયનવાદી લોકો કે જે પોતે કશું કરી શકે તેમ ના હોય એટલે ઈશ્વર પર છોડી દે. આવા લોકો હોટેલ માં બેસી પાર્ટી કરતા હોય ત્યારે ભગવાન યાદ નથી આવતો પણ છાપા માં ભૂખમરાના અહેવાલો વાંચીને કહે છે. “રે કલિયુગ. હવે તો ભગવાન અવતાર લે તો સારું”. સમસ્યાઓનો અંત લાવવાની દાનત તેઓમાં ક્યારેય હોતી નથી.

કોઈ પણ ઈશ્વર કઈ અમસ્તાજ નથી પૂજાતા હોતા. પછી ભલે તે ઈશ્વર સ્વયમજ કેમ ના હોય. કૃષ્ણ એ કંસ માર્યો એટલે એના મંદિરો છે નહીકે તે ઈશ્વર છે એટલા માટે. રામે રાવણને માર્યો એટલા માટે તેના મંદિરો છે નહીકે તે દશરથ ના પુત્ર હતા એટલે. વિવેકાનંદ ને એટલે લોકો પુજે છે કે તેમણે આખા વિશ્વ માં ભારતના અધ્યાત્મિક જ્ઞાનનો ઝંડો લહેરાવ્યો હતો. પ્રમુખ સ્વામી એટલા માટે પુજાય છે કે દુનિયા ભરમાં કરોડો કરોડો સંતો, સેવકો અને ભક્તો ને અધ્યાત્મિક દોરવણી આવપવની અભુપૂર્વ ક્ષમતા તેમનામાં છે.

પણ આપણે લોકોને કોઈ પણ વ્યક્તિવિશેષ માંથી કશું શીખવા કરતા તેને ભગવાન બનાવી તે વ્યક્તિનું અને આપણા અધ:પતન ના રસ્તા તૈયાર બનાવવામાં વધુ મજા આવે છે.

ખેર શ્રીરામચંદ્રજીના જીવન માટે કઈ લખવું તેતો બહુ અઘરું છે. છતાં મારી સમાજથી મને જે બે-ચાર મુદ્દા સારે લાગે છે તે અહી લખું છું.

૧) રાવણ સામે લડો, કૈકૈ સાથે નહિ. રામ નો શું ગુનો હતો કે વનમાં જવું પડ્યું? કશો નહિ. જો તે ધારેત તો કૈકૈ ના વચન નો વિરોધ કરી શક્યા હોત. પોતે અત્યંત લોકપ્રિય હતા. અન્ય ભાઈઓ અને પ્રજામત તેમની સાથે હતો. પોતે ધારેત તો કૈકૈ ના આદેશ વિરુદ્ધ જઈ શકેત. પોતાનો રાજ્યાભિષેક કરાવી શકેત. પણ તેનાથી ફાયદો શો? માણસનો અસલી શત્રુ રાવણ છે કૈકૈ નહિ. ઘરમાં સ્ત્રી, પિતા, કે માતા સામે બાયો ચડાવવા કરતા બહાર સાચા દુશ્મનો સામે કેમ ના લડવું?

૨) લીડરશીપ. દુનિયાનો કોઈ મેનેજમેન્ટ ગુરુ શું રામ જેવી લીડરશીપ શીખવી શકે ખરા. અસંભવ. દુનિયાની કોઈ પણ કંપનીનો ચેરમેન શું માત્ર એક મહિનો પોતાના કર્મચારીને પગાર નાં આપે અને છતાં દરેક કર્મચારી કામ કરે તેવું બને ખરું? અસંભવ. આ લીડરશીપ રામ પાસે છે. આંખની પણ ઓળખાણ વગર હજારો, લાખો, વ્યક્તિઓ, પશુઓ, અને પક્ષીઓ રામ માટે લડવા અને મરવા તૈયારે થઇ જાય તેનું કોઈ તો કારણ હશેને? કદાચ આનેજ લીડરશીપ કહેવાય. અને એટલેજ તે રામ છે.

જયશ્રી રામ

ભગવાન બંને ની આત્મા ને શાંતિ આપે

હમણા ત્રણચાર દિવસ પહેલા મારા એક કર્મચારીના પિતાજી ગુજરી ગયા. લગભગ એકાદ મહિનાથી બીમાર હતા. જઠર અને આતરડાના જોડાણ પર અલ્સર છે તેવું ડોક્ટરે કહેલું. સતત બ્લીડીંગ થતું હતું. છેવટે તેમને ઓપરેશન કરાવવાનું કહેવામાં આવ્યું. હોસ્પિટલ માં સવારે ૮ વાગ્યે ઓપરશનની એપોઈન્ટમેન્ટ મળી. સમય પહેલાજ આ લોકો ત્યાં પહોચી ગયા. ડોક્ટરની ચિઠ્ઠી બતાવી, ઓપરશન હોવાનું કહેવામાં આવ્યું.

હવે હોસ્પિટલમાં પહેલાતો બે વોર્ડના કર્મચારીઓ અંદર અંદરજ ઝગડ્યા. કોઈ તેને પોતાના વોર્ડ માં રાખવા નહોતું માંગતું. એક બીજાને ખો આપે રાખતા હતા. એક કહે આ અમારો કેસ નથી બીજો કહે અમારો નથી તમારો જ છે. એમ કરતા ૨ કલાક નીકળ્યા. દરમ્યાન ડોક્ટરને ફોન કરવામાં આવ્યો કે અમે ઓપરશન માટે આવી ગયા છીએ. ડોક્ટરે કહ્યું “ હું મારી રીતે આવી જઈશ.” અહિયા વોર્ડ માં કોઈ દાખલ નહોતું કરતુ. ત્યાં ડોક્ટર આવતા નહોતા. એમ કરતા ખાસ્સો સમય જતો રહ્યો. એ દરમ્યાન ડોક્ટરને બીજા ૨-૩ ફોન કરવામાં આવ્યા. છેવટે તેમણે કહ્યું “મારે આવવાનું હશે ત્યારે આવી જઈશ. આ રીતે વારે વારે ફોન કરીને મને ડીસ્ટર્બ ના કરો.” આમ કરતા ખાસ્સો સમય વીતી ગયો. આ વ્યક્તિ એમને એમજ મરણને શરણ થઇ. શબ વાહિની કરીને બાકીના લોકો પાછા આવવા માટે નીકળી ગયા. ત્યાં સુધી તો ડોક્ટર નહોતા આવ્યા.

ભગવાન આ મરનાર અને ડોક્ટર બંને ની આત્મા ને શાંતિ આપે.

કામ કરવું અને કમાવું જરૂરી છે પણ.. જીવવા માટે – Work Life Balance

થોડા દિવસ પહેલા મારા એક મિત્રએ મને મોકલેલ નાની પણ સરસ વાર્તા: મન ની ખીંટી

અમારાં ઘરમાં રિપેરકામ માટે એક સુથારને બોલાવેલો. એના કામના પહેલા દિવસની આ વાત છે.. કામ પર આવતાં રસ્તામાં ટાયર પંક્ચર થયું એમાં એનો એક કલાક બગડ્યો. કામ શરૂ કર્યા પછી અધવચ્ચે એની ઈલેક્ટ્રિક કરવત બગડી ગઈ. દિવસ પૂરો થયા પછી ઘરે પાછા જતી વખતે એની નાની ટ્રક ચાલી નહીં. હું એને મારી ગાડીમાં એના ઘેર મૂકવા ગયો. રસ્તામાં એ એક પણ શબ્દ બોલ્યો નહીં.

અમે એના ઘેર પહોંચ્યા ત્યારે એણે કહ્યું : ‘ઘરમાં થોડી વાર આવો ને ! મારાં પત્ની અને બાળકોને તમને મળીને આનંદ થશે.’ઘરમાં દાખલ થતાં પહેલાં નાના ઝાડ પાસે એ રોકાયો. બન્ને હાથ એણે ઝાડ પર મૂક્યા. બારણામાં દાખલ થતી વખતે મેં એનામાં અજબનો ફેરફાર થતો જોયો. એના થાકેલા ચહેરા પર સ્મિત ફરી વળ્યું. એનાં બે બાળકોને વહાલથી ભેટ્યો અને પત્નીને ચૂમી આપી. મને એ કાર સુધી મૂકવા આવ્યો. અમે પેલા ઝાડ પાસેથી પસાર થયા ત્યારે મારું કુતૂહલ હું રોકી શક્યો નહીં. મેં એને પૂછ્યું : ‘ઘરમાં દાખલ થતાં પહેલાં તમે ઝાડને શા માટે અડ્યા ?’

‘અરે, હા. આ ઝાડ તો મારા મનની ખીંટી છે. હું કામે જાઉં ત્યાં કોઈ ને કોઈ તકલીફ તો આવવાની જ, પણ એક વાત નક્કી કે ઘરે મારાં પત્ની અને બાળકોને એની સાથે શું લેવાદેવા ? શા માટે હું મારા કામનો ગુસ્સો તેમના પર ઉતારું? હું આ લોકો માટેજ તો કમાવ છું અને મહેનત કરું છું તો પછી શા માટે તેમની સાથી આનંદથી સમય ના પસાર કરું?

એટલે,જ્યારે સાંજે કામ પરથી ઘરે પાછો આવું છું ત્યારે તકલીફો આ ઝાડ પર લટકાવી દઈ ઘરમાં દાખલ થાઉં છું. સવારે કામ પર જતાં આ ઝાડ પરથી તકલીફો પાછી લઈ લઉં છું.

પણ નવાઈની વાત તો એ છે કે રાતે મૂકેલી તકલીફોમાંથી ઘણીખરી સવારે ત્યાં હોતી નથી.