દરિયામાં ડૂબવાનો અનુભવ….

હમણા દ્વારકા જવાનું થયું. શ્રીકૃષ્ણના રાજસી જીવન કાળની સાક્ષી એવી આ જગ્યા આજે પણ જાણે એ વૈભવ અને સુશાસનની ચાડી ખાય છે. દ્વારકાધીશ જે મંદિરમાં બિરાજે છે તેના સમગ્ર શિખરને જો નજીકથી જોઈએ તો આપો આપ મનમાં એવો ભાવ થઇ આવે કે “આજે જો આવું છે, તો એ સમયમાં તો કેવું હશે?”. એ વૈભવ, એ સત્તા, એ વિશાળતા, અને એ શક્તિશાળી શાસન વ્યવસ્થા મન માં ને મન માં ક્યારેક જીવંત થઇ જાય તો કયારેક એક વાર જીવંત થઇ જાય એવી ઈચ્છા થઇ જાય. રાત્રે મન ભરીને દર્શન કર્યા, મંદિરો જોયા અને મને બહાર ગયે મારું મનગમતું કામ પગે ચાલીને ગલીઓમાં ફર્યો. નિરાતે સુઈ સવારે વહેલા દર્શન કર્યા.

દ્વારકા જગતમંદિરની બહાર જ ગોમતી નદી વહે છે. આમતો એમ કહી શકાય કે હવે માત્ર ગોમતી નું વહેણ છે. કારણ કે આ જગ્યા પર નદી સમુદ્રને મળે છે. અને ભરતી વખતે જ ઘાટ પર પાણી આવે છે બાકી કોરું જ હોય છે. સમુદ્ર ના ભૂરા ભૂરા અને ઘૂઘવતા પાણી ઘાટ સાથે અથડાયા કરે છે, જોકે દરિયો બહુ તોફાની નથી. પણ છતાં પાણીનું મોજું અને એ પણ દરિયાનું. ધ્યાન તો રાખવું જ પડે.

પણ મારી આ સદબુદ્ધિ ખબર નહિ ત્યારે કેમ બહેર મારી ગઈ હતી. આમ પણ કુદરત સાથે મને બહુ ફાવે છે. અને કુદરત ખબર નહિ હમેશા મને પોતાનામાં ભેળવી દેવા પ્રયત્નશીલ રહે છે. અને હું પણ કુદરતની રચના જયારે જોવ છું, પછી એ કોઈ પણ હોય, વૃક્ષો, ફૂલો, દરિયો, નદી, પર્વત કે ખીણ મને ત્યારે અનહદ આનંદ અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે. અને એમાંજ કદાચ દર વખતે દુસાહસ કરી બેસું છું. હમણા થોડા સમય પહેલા જ ઝાડ પરથી પડ્યો અને એક હાથ લગભગ ગુમાવી દેવાની પરિસ્થિતિ માં આવી ગયો હતો.

ગોમતી નદી ના કિનારે અલગ અલગ નામના બહુ બધા ઘાટ છે. એમાં છેલ્લો ઘાટ છે સંગમ ઘાટ. જ્યાં નદી અને દરિયાનું સંગમ થાય છે. પહેલા ઘાટ થી શરુ કરી પાણીની ઊંડાઈ વધતી જાય છે. માટે ભરતીના સમયમાં સંગમ ઘાટ પર લગભગ કોઈ જતું નથી. પણ… હું ગયો. મારા મન એ મને ઘણી વાર વાર્યો. પછી હું આગળ નીકળી ગયો. પછીના ઘાટ પર પાણીને અડીને પાછો આવ્યો. અને પાછો ફર્યો સંગમ ઘાટ પર. ઘાટ નીચે ઉતારવાના પગથીયા પણ થોડા ભય જનક છે. ધીરે ધીરે કરતા એક પછી એક પગથીયું ઉતારવાનું શરુ કર્યું. દસેક પગથીયા હશે. નીચેના પગથીયા પર કરચલા આટા મારતા હતા. ઉપર ચડતા હતા, અતિશય ચીકણા અને લીલ બાઝેલા પગથીયા પરથી લપસીને ફરી નીચે પડતા હતા. ૬-૫-૪-….. અને હું પણ નીચે……..

કદાચ ૬૦ સેકંડ. એક એવી દુનિયામાં કે જ્યાં માત્ર હું અને પાણી. બીજું કશું જ નહિ. કહેવાય છે મન બહુ ચંચળ છે તેને રોકી ના શકાય. પણ આ સમયે એ મર્કટ મન માં પણ માત્ર બેજ વસ્તુ હતી. “હું અને પાણી”. આંખ, નાક, કાન અને મોઢાની અંદર પાણી, અને હું પોતે આખો પાણી ની અંદર. હાથ ઉંચા કર્યા કે કોઈ બચાવે પણ હાથ સહીતની સાડા દસ ફૂટ ની ઊંચાઈ ઓછી પડી. તળિયા સુધી ગયેલો કે કેમ તેતો મને પણ ખબર નથી. અવાજ તો નીકળી શકે તેમજ નહોતો. (અને આમ પણે સંગમ ઘાટ પર બહુ લોકો પણ હોતા નથી.) એ તરફડીયા…. પ્રાણાયામ વખતે સામેથી હવા બહાર કાઢીને ભલે ૧ મીનીટ સુધી બેઠો રહેતો હોવ, અહિયા હવાના એક પરમાણુ માટે પણ ખબર નહિ કેટલી એનેર્જી ને વેડફી હશે. આ ૬૦ સેકંડ ખબર નહિ કેમ વીતી.

અને ત્યારેજ અચાનક એવું સુઝી આવ્યું કે ખોટી મહેનત કરવાનું બંધ કર, શરીરને ઢીલું મુકીશ એટલે આપો આપ સપાટી પર પહોચી જઈશ. અને ખરેખર એવુંજ થયું. મોઢું તો બહાર નીકળી આવ્યું પાણીની. ૧-૨ વ્યક્તિનું ધ્યાન ગયું. પણ એ મારા સુધી પહોચી શકે તેમ ના હતા. કે હું એના સુધી. આજુ બાજુ માં કઈ કશું પકડવા માટે નહોતું કે જેનો આધાર લઇ હું પાણી માં સપાટી પર રહી શકું. કે તેને પકડી ને બહાર આવી શકું. પણ એક કામ પણ પાણી એજ કરી આપ્યું. એક મોજાથી છેલ્લા પગથીયાની નાજીક પહોચી શક્યો. પાણી અને લીલને કારણે તેને પકડી શકાય એમ તો હતું જ નહિ. પણ છતાં તેના પર હાથ દઈ મોઢું પાણી ની બહાર રાખી શક્યો. પેલા બંને ઈશ્વરના દૂતોએ હાથ લંબાવી મને બહાર ખેચ્યો. અને જીંદગીનો વધુ એક અનુભવ કરી સંગમ ઘાટ છોડ્યો.

પણ મેં આગળ કહ્યું તેમ કુદરત અને મારે અનોખો સંબંધ છે. આગળના ઘટે ફરી વાર… અનેક વાર… મન ભરીને નાહ્યો. મજા કરી.

4 thoughts on “દરિયામાં ડૂબવાનો અનુભવ….

  1. મને પણ આપની માફક પાણીમાં ડૂબવાનો અનુભવ થયો છે.
    મને આ થોડી સેકેન્ડમાં ફાસ્ટ ફોરવર્ડ ફિલ્મ ની માફક જન્મથી લઇ ને તે દિવસ સુધીની મારી આખી જીંદગી સડસડાટ જોયા નો અનુભવ થયેલો. બચી ગયો અને સ્વાસ હેઠો બેઠો પછી હું કેમે કરીને એ જીવન દર્શન વાળા અનુભવને બુદ્ધીજનક સ્વીકાર કરી શક્યો નહિ .. આટલી થોડી સેકન્ડમાં આખું જીવન કેવી રીતે જોઈ શકાય ?

    આ ઘટના ૧૯૭૫ માં બની હતી. વર્ષો વીત્યાં પણ એ ચમત્કારિક અનુભવનું રહસ્ય ઉકેલી શક્યો નહિ. વર્ષો પછી છેક ૨૦૦૪ માં નિયર ડેથ એક્ષ્પિરિઅન્સ્ વિષે એક તબીબે કરેલ સંશોધન વિષે લેખ છાપામાં વાંચવા મળ્યો ત્યારે જાણવા મળ્યું કે અકસ્માત મૃત્યુ થયા પછી જેઓ થોડી વાર પછી પાછા જીવિત થયા હોય તેવા અનેક લોકો એ મેં જોયેલ તેવી જ રીતે આખી જીન્દગી ફાસ્ટ ફોરવર્ડ ફિલ્મ ની માફક જોયાનું કબુલ્યું છે.

    ત્યાર બાદ મેં આદિ શંકરાચાર્ય રચિત વિવેક ચુડામણી પુસ્તક વાંચ્યું અને તેમાં વિવિધ પ્રાણમાના એક પ્રાણ નાં કાર્ય વિષે લખ્યું છે કે મૃત્યુ સમયે આ પ્રાણ માણસના તે જીવનના અનુભવોમાંથી સાર ગુણ તારવે છે અને જીવ આ ગુણોને આગળના બીજા જન્મમાં સ્વભાવગત ગુણ રૂપે પોતાની સાથે લઇ જાય છે.

    આ ઉપરથી એમ માની શકાય કે પાણી માં ડૂબવાની ઘટના અને ડૂબવાનો અનુભવ મૃત્યુ ને તાળી આપવા જેવો અવર્ણનીય હોય છે. તમે તમારી યાદ શક્તિ ના ઊંડાણ માં ઉતરી શકો તો શોધ કરવા જેવી ખરી… કદાચ તમને પણ મને થયેલ એવો અનુભવ થયો હોય ..!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *