અને આમ બન્યું સિલાઈ મશીન…….

નિશાનચૂક માફ પણ નહિ માફ નીચું નિશાન…..

થાળી મિત્ર સો મળે શેરી મિત્ર અનેક… જે પર સુખ દુખ વારીએ, તે લાખો માં એક.

દરેક સફળ પુરુષની પ્રેરણા એક સ્ત્રી હોય છે.

સુખમાં સહુ સગા…. દુઃખમાં કોઈ નહિ….

હિંમતે મર્દા તો મદદે ખુદા…..

આવી અનેક સચોટ કહેવતોની તીવ્રતા જો કોઈ એક જ જીવનમાં જોવી હોય તો અહી આગળ વાચો. હિંમત કોને કહેવાય, ધગશ કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય, મિત્ર કોને કહેવાય એ બધી જ ખબર આનાથી પડશે.

અમેરિકામાં એક માણસ થઇ ગયો. એલીયસ હોવ કરીને. હોવ  એક  કારખાનામાં મિકેનિક તરીકે કામ કરતા હતા.એમના પિતા સારા ખેડૂત હતા,પરંતુ એલીયસ હોવ પોતાનું જીવન પોતાની રીતે જીવવા  માગતા હતા.આથી પિતાનું ઘર છોડીને એમણે એક સાધારણ મિકેનિકનું  કામ કરવાનું શરૂ કર્યું. એક દિવસ હોવે પોતાના માલિકને કોઈ સાથે વાત કરતા સાંભળ્યા .એમના માલિકનું કેહવું હતું- ‘કેવું સારું,કોઈ કપડાં સીવવાનું મશીન બનાવે તો. એનાથી દુનિયાનું ખુબ કલ્યાણ થશે.વળી આપણને એની જરૂર પણ છે.’ બસ તે દિવસે હોવે નક્કી કરી લીધું કે ગમે તે થઇ જાય ,તેઓ સીવણયંત્ર બનાવીને જ જંપશે.

તે સમયે એલિયસ હોવની આર્થિક સ્થિતિ સારી નહોતી. છતાં એમણે નોકરી છોડી દીધી. પોતાના સામાન તથા કુટુંબીઓને  સાથે લઈને પિતાના ફાર્મ પર આવી ગયા અને પોતાના પ્રયોગોમાં લાગી ગયા ગયા.પણ એક દિવસ એમની તે નાનકડી પ્રયોગશાળામાં આગ લાગી ગઈ અને એમની તમામ મહેનત પર પાણી ફરી વળ્યું.

હોવ અત્યંત નિરાશ થઇ ગયા. ઉપરથી ઘરના માણસો અમને મહેણાં મારતાં  હતાં. ઘરની  હાલત સારી નહતી.છતાં એમના મનમાં સીવણયંત્ર  સિવાય બીજી કોઈ બાબત ઠસતી જ નહતી.એમણે પોતાના એક જુના મિત્ર  જ્યોર્જ ફીશરને આની વાત કરી. ફિશરે એમને મદદ કરવાની ખાતરી આપી. હોવ સપરિવાર ફીશરને ત્યાં રહેવા લાગ્યા અને પોતોના કામમાં મંડી પડ્યા.

આખરે મશીન તૈયાર થયું, પરંતુ હજી એમાં થોડી-ઘણી કચાશ હતી.એક તો કાપડને  આગળ ઘપાવવા માટે થોડી વ્યવસ્થા કરવાની હતી.બીજી મુશ્કેલી એ હતી કે થોડાક ટાંકા પછી અટકવું પડતું હતું.અને ફરીથી  મશીનને ચાલુ કરીને આગળ કામ કરવું પડતું હતું. હોવે અ તકલીફોનો ઈલાજ પણ શોધી કાઢયો. આખરે મશીન ખૂબ સારી રીતે કામ કરવા લાગ્યું. હોવે તેના પર પોતાનો તથા ફીશરનો સૂટ સીવ્યો.ખરેખર મશીનનું કામ ખૂબ જ સંતોષકારક હતું. ફિશર તો આ જોઇને ઉછળી પડ્યો. અત્યાર સુધીમાં મશીન બનાવવામાં ખુબ ખર્ચ થઇ ગયા હતો. આ તમામ ખર્ચ ફિશરે કર્યો હતો.એને આશા હતી કે હવે આ મશીનો ધડાધડ વેચાશે અને એનું બધું ધન પાછું આવી જશે.

ફિશર અને હોવે અનેક જગ્યાએ આ મશીનનું પ્રદર્શન કયું. પરંતુ કોઈએ તેને ખરીદવામાં રસ ન દાખવ્યો, બલકે દરજીઓ તો એમની વિરુદ્ધ  થઇ ગયા.વિચારવા લાગ્યા કે આ મશીનના આગમનથી એમની રોજી જતી રહશે.

હવે હોવ પાછા નિરાશ થવા લાગ્યા.જે મશીનને બનાવવા માટે એમને આટલાં કષ્ટ વેઠ્યાં હતાં, તેને લોકો આ રીતે ધુત્કારે,તે એમનાથી સહન થઇ શકતું નહતું. પરંતુ તેમનું મન કહેતું હતું કે આજે નહીં તો કાલે લોકો આનું મહત્વ સમજાશે.આખરે બોસ્ટનમાં કપડાં બનાવનારી ફેકટરીના માલિક સાથે એમણે વાત કરી.માલિકે મશીન જોયું તો એને ઘણું આશ્ચર્ય થયું.તેણે એક સ્પર્ધાનું  આયોજન કર્યું.એક બાજુ હાથ વડે સીવાનારી કુશળ સ્ત્રીઓ હતી,બીજી બાજુ હોવ. પાંચેય સ્ત્રીઓને એક-એક કપડું આપવામાં આવ્યું અને એકલા હોવને એ જ આકારના પાંચ ટુકડા. તેઓમાંથી કોઈ  સ્ત્રી હજી એક કપડું પણ સીવી શકી નહતી કે હોવે સીવણ મશીન વડે પાંચ કપડાં સીવીને બતાવી દીધા . છતાં ફેક્ટરીનો માલિક તે મશીનને ખરીદવા માટે તૈયાર ન થયો. હા, જોનારાઓએ તેની ખુબ જ પ્રશંસા કરી. ત્યાર પછી હોવે વોશિંગ્ટન  જઈને મશીનનું પેટન્ટ કરાવ્યું ,છતાં મશીનનો કોઈ ધરાક આગળ ન આવ્યો.

અત્યાર સુધીમાં ફિશર પણ કંટાળી ગયો હતો અને વધારે ખર્ચ કરવાની તેની સ્થિતિ ન હતી. તેણે હોવને સ્પષ્ટ જણાવી દીધું- ‘ભાઈ, હવે તારો તથા તારા પરિવારનો બોજ ઉઠાવવો મારા માટે શક્ય નથી.’ હોવ પોતાના પત્ની-બાળકોની સાથે ફરીથી રસ્તા પર આવી ગયા.

થોડા સમય પછી એલીયસ હોવ ઇંગ્લેન્ડ ગયા. ત્યાં તેમણે પોતાના મશીનનાં અનેક પ્રદર્શનો કર્યા. લોકો તેની શોધની ખુબ જ પ્રશંસા કરતા, પરતું તેને કોઈ ખરીદવા આવતું નહિ. ત્યાં સુધી કે લંડનમાં એક વ્યક્તિએ હોવના સીવનયંત્રને પોતાના નામ પર પેટન્ટ કરાવવાની કોશિશ કરી.હોવ નિરાશ થઇ ગયા હતા. તેઓ જયારે લંડનથી પાછા ફર્યા, એમની પાસે પોતાની યાત્રાના ખર્ચ માટે ધન પણ નહતું. એમણે પોતાના પેટન્ટ અંગેના કાગળ ગિરવે મૂકી થોડું ધન મેળવ્યું અને પરિવારને પાછો મોકલી દીધો.પછી તેઓ એક જહાજ પર રસોઈયાનું કામ કરીને અમેરિકા આવ્યા અહીં આવીને તેમણે જોયું, તેમની પત્ની મરણપથારી  પર પડી છે.પત્નીનાં મૃત્યુ પછી હોવ બિલકુલ તૂટી ગયા.

એમની આ પીડા ત્યારે અધિક વધી ગઈ જયારે તેમણે છાપામાં સીવણયંત્ર  વિષે વાંચ્યું. સમાચારમાં મોટા અક્ષરે લખ્યું હતું-‘સીવણયંત્ર: એક મહાન શોધ.’એલીયસ હોવ એ આખા સમાચાર વાંચી ગયા.પણ એમાં ક્યાંય એમના નામનો ઉલ્લેખ નહતો. લંડનમાં એમણે પોતાના સીવણયંત્રનાં અનેક પ્રદર્શનો કર્યા હતા. લોકોએ જોઈ-જોઇને એવાં જ મશીનો બનાવી નાખ્યાં અને ખૂબ પૈસા કમાવા લાગ્યા. તેઓ એ ભૂલી ગયા કે સીવણયંત્રને હોવ પોતાના નામથી પેટન્ટ કરાવી ચુક્યા હતા.

એક દિવસ હોવ આઈ .એ. સિંગરનો શોરૂમ જોવા ગયા.ત્યાં એવું જ સીવણયંત્ર જોઇને એમને આઘાત લાગ્યો. હવે કેસ લડવા સિવાય કોઈ છુટકો ન હતો. પરંતુ હોવ પાસે તો થોડું-ઘણું પણ ધન નહતું. પેટન્ટના કાગળ તો તેઓ પેહલેથી જ લંડનમાં ગિરવે મૂકી ચુક્યા હતા.આખરે એક શ્રીમંત માણસે હોવને મદદ કરવાનું નક્કી કયું.તેઓ વર્ષો પહેલાં  હોવના સીવણયંત્રનું પ્રદર્શન જોઈ ચૂકયા હતા અને તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ મદદથી હોવના મનમાં ફરી આશાનો સંચાર થયો. અદાલતનો નિર્ણય હોવના પક્ષમાં ગયો.એમને વિજય મળ્યો તથા આખા જગતે આદરપૂર્વક એમને  સીવનયંત્રના શોધકના રૂપમાં સન્માન તથા માન્યતા આપી.

હોવે સીવણયંત્ર તૈયાર કરવાની પોતાની કંપની શરૂ કરી.જોત-જોતામાં તેઓ ખુબ જ શ્રીમંત બની ગયા.પરંતુ પોતાની ગરીબીને તેઓ ક્યારેય ભૂલ્યા નહતાં  અને આજીવન ગરીબોને મદદ કરતા રહ્યા. મૃત્યુના થોડા મહિના પહેલા હોવના પેટન્ટનું નવીનીકરણ થવાનું હતું. પણ એમણે  ના પડી દીધી એમણે કહ્યું -‘ હું ચાહું છું, જે  પણ ઈચ્છે તે સારું સીવણયંત્ર બનાવે ,કેમકે એનાથી આખરે ગરીબોનું કલ્યાણ થાય છે. અને લાખો લોકોને રોજી મળે છે.’

આ કેહતી વેળા જરૂર હોવની આંખોમાં પોતાની પત્નીનો ચહેરો રહ્યો હશે, કેમકે હોવ જયારે સાધારણ મિકેનિક હતા, ત્યારે કેવળ તેમની કમાઈથી જ ઘરનો ખર્ચો  નહોતો ચાલતો. હોવની પત્નીને પણ હાથે સિલાઈ કરીને એમને  સાથ આપવો પડતો હતો.ઘણી વાર તેઓ મોડી રાત સુધી કપડાં  સીવતાં રહતાં અને હોવ મનોમન વિચારતા રહેતા, ‘ભગવાન કરે. હું કોઈ રીતે મારાં પત્નીનો ભાર હળવો કરી શકું.’

અને  ખરેખર સીવણયંત્રની શોધ કરીને હોવે કરોડો ગૃહિણીઓને સુખ અને આરામ પહોંચડ્યાં છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *