અતિ સર્વત્ર વર્જયેત : કુટુંબમાં પણ

Family

ભારતના પશ્ચિમીકરણની વાતો, વિરોધ અને સમર્થન બહુ વર્ષો થી થતું રહ્યું છે. સમર્થન કરનારા અને વિરોધ કરનારા બંને પોતપોતાની વાતો સાબિત કરવા માટે ગમે તે પ્રકારના ઉદાહરણ અને અનુકરણનો આશ્રય લઇ લેતા હોય છે. પરંતુ સ્વામી વિવેકાનંદથી લઈને અબ્દુલ કલામ સુધીના દરેક ડાહ્યા માણસો એક બાબતે સાવ સ્પષ્ટ છે કે ભારત અને પશ્ચિમ બંનેનું યોગ્ય પ્રમાણમાં સંયોજન એજ આદર્શ છે. આપણા શાસ્ત્રો પણ કહે છે… અતિ સર્વત્ર વર્જયેત, કોઈ પણ બાબતમાં મધ્યમ માર્ગજ ઉત્તમ માર્ગ છે.

ભારતની કોઈ જો સૌથી મોટામાં મોટી તાકાત હોય તો એ આપણી કુટુંબ વ્યવસ્થા છે. અને આજ નબળાઈ પણ બની રહે છે. સારા ખરાબ પ્રસંગોમાં પરિવારજનોની હૂંફ માણસને મળી રહે તો આગળ વધવા માટે બીજું કશું ના જોઈએ. પરંતુ આજ પરિવાર ઘણી વાર જયારે વ્યક્તિનું કરીઅર, જીવનસાથી અને આખું જીવન નક્કી કરવા બેસી જાય ત્યારે ગળાફાંસો બની રહે. આપડે ત્યાં સંતાનોના ભણતર કે ધંધા માટે માતા-પિતાને પોતાના પીએફ ઉપાડી લેવાના, લોન લીધાના અને ઘરેણાં કે ઘર વેચી દીધાના દાખલાઓ મળી રહેશે. પણ ફરજીયાત પણે સરકારી નોકરીમાંજ ઘુસવા માટે સંતાનો ને ધમકાવતા અને ક્યારેક લાફો ખેંચી લેતા વાલીઓ પણ પાર વગરના છે.

જે પશ્ચિમને આપણે ગાળો દઈએ છીએ ત્યાં બાળકોને પોતાના કરીઅર કે લાઈફ પાર્ટનર માટે કોઈ પણ પ્રકારનું દબાણ નથી અને એટલેજ શ્રેષ્ઠ કક્ષાના ઉદ્યોગ-સાહસિકો, રમતવીરો, વિજ્ઞાનીઓ, ચિત્રકારો અને દરેક ક્ષેત્રના સાહસિકો પશ્ચિમે મહત્તમ આપ્યા છે. પણ નબળી કુટુંબ વ્યવસ્થાની આડ અસર રૂપે તૂટેલે લગ્નો અને નબળા સંબંધો અત્યંત સામાન્ય બની ચુક્યા છે. 16-18 વર્ષના છોકરા છોકરીઓ ને પૂછો કે ક્યાં રહો છો તો કહેશે “આઈ લિવ ઈન માય પેરેન્ટસ” હાઉસ. (હું મારા માતા પિતાના ઘરમાં રહું છું.) અને બહુ મોટા કિસ્સાઓમાં આ સંતાનો એ રહેવાનું ભાડું પણ ચુકવતા હોય છે.

તો પછી સારું શું? માધ્યમ માર્ગ. અને એ ભારતની કુટુંબ વ્યવસ્થામાં બતાવેલો જ છે. આશ્રમ વ્યવસ્થા દ્વારા

પહેલા 25 વર્ષ સુધી, રમો, ભણો, સંશોધન કરો, પ્રવાસ કરો, બસ કોઈને કોઈ રીતે નવું શીખો

પછીના 25 વર્ષ તમારા માટે અને સમાજ માટે સંપત્તિનું સર્જન કરો, તમારું કુટુંબ વિકસાવો

ત્રીજા 25 વર્ષ તમારા અનુભવનો બીજાને લાભ આપો (જો કોઈ માગે તો), નવી પેઢીના પ્રશ્નોના જવાબ આપો (જો પૂછે તો), વધારાની સંપત્તિનું નવી પેઢીમાં રોકાણ કરો, સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો (જ્યાં ખરેખર જરૂર હોય ત્યાં). અત્યારે એવું થઇ ગયું છે કે આ ઉંમરની વ્યકતિ કુટુંબ માટે અને સમાજ માટે સૌથી મોટું નડતર અને ન્યુસન્સ બનતી હોય છે. નવી પેઢી સાથે તાલ મેળવી ના શકે, પોતાની મમત છોડી ના શકે, બધા પાસે પોતાનું ધાર્યુંજ કરાવવું હોય. જો સામે વાળા એ કરે તો એની જિંદગી ખરાબ થઇ હોય અને જો ના કરે તો કુટુંબ માં મહાસંગ્રામો થતા રહે.

છેલ્લા 25 વર્ષ શક્ય હોય તો જાતેજ કુટુંબથી અલિપ્ત રહી આધ્યાત્મિક સાધનામાં લિન રહો, વહુ રસોડામાં રસોઈ બનાવતી વખતે શું શું ખાઈ લે છે એ છાના માના જોયા ના કરો, સંતાનો ની જાસૂસી ના કરો અને એ પોતાના સારા કપડાં કે ખાવા પીવા પાછળ બે પૈસા વાપરે તો ટોક્યા ના કરો. હવે એ એની સંપત્તિ છે અને કેમ વાપરવી એ એને નક્કી કરવા દો.

મારા અવલોકોનો પર આપનો અભિપ્રાય અને ટીકા આવકાર્ય છે નીચે કમેન્ટ સેક્શનમાં.

માન્યતાઓની સૃષ્ટિના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ

Belief

માણસ પોતાની માન્યતાઓ ને સાથે લઇને જીવે છે. એ પોતાના માટે કાંઈક વિચારે છે. બીજા માટે પણ કાઇંક માને છે. પરિસ્થિતિ અને સમય માટે એની પાસે પોતાની માન્યતાઓ છે. આ માન્યતાઓથી એ પોતાના માટે પોતાની એક સૃષ્ટિ ઉભી કરે છે. એટલેજ શાસ્ત્રઓમાં કહ્યું છે, અહં બ્રહ્માસ્મિ. – હું જ બ્રહ્મ છું. માણસ પોતેજ બ્રહ્મા બની પોતાની સૃષ્ટિ નું સર્જન કરે છે. એ કોઈ રેસ્ટોરન્ટમાં જાય છે એક માન્યતા સાથે, એ મિત્રો બનાવે છે માન્યતા સાથે, એ કોઈ નોકરી કે ધંધો કરે છે પોતાની એક માન્યતા સાથે.

એણે બનાવેલી સૃષ્ટિમાં એની માન્યતાઓ મુજબ જ બધું ચાલે છે. એ કોઈના માટે સારી માન્યતા ધરાવે છે કોઈના માટે નબળી. પોતાની માન્યતાઓના જોરે જ એ પોતાની સૃષ્ટિ ચલાવે છે. એ પોતેજ પોતાનો વિષ્ણુ છે. પોતાની ગમતી સૃષ્ટિનું એ વિષ્ણુ બની લાલન પાલન કરે છે.

માણસ એક માન્યતા બાંધે છે કે ગાય શુકનિયાળ હોય અને બિલાડી અપશુકન કરે. આ માન્યતાના લીધે એની પોતાની સૃષ્ટિમાં ગાય અને બિલાડીને પોતાનું સ્થાન મળે. 500 કિલોમીટર દૂર કોઈ બીજા પ્રદેશમાં એક વ્યકતિ બિલાડીને લક્ષ્મીનું ચિહન માને અને એની સૃષ્ટિમાં બિલાડીના અસ્તિત્વનું જુદી રીતે લાલન પાલન થાય. અમુક મિત્રો સાથે એ સંબંધ વધારે છે અમુક સાથે નહિ, અમુક કામ કરે છે અમુક નહિ.

એ ક્યારેક એવું માને છે કે પોતાની શોખની વસ્તુ એ ક્યારેય નહિ કરી શકે અને આખી જિંદગી ઢસરડા કરતો રહે છે. એ માને છે કે કોઈના પર વિશ્વાસ કરવા જેવો નથી અને આખું જીવન એક સારો મિત્ર મેળવી શકતો નથી. એ માને છે કે તબિયત બગડવાથી બહુ ખર્ચો થઇ જશે અને આખી જિંદગી બરફના ગોળાનો સ્વાદ માણતો નથી.

ૐ વિષ્ણવેય નમઃ

અને ક્યારેક ને ક્યારેક તો એવું બનાવાનુંજ કે એણે બાંધેલી માન્યતાઓને ફટકો પહોંચે. એતો માનતો હતો કે એના સંતાનો માત્ર પોતાનું કહ્યું જ કરે. પણ જયારે એની ઉપરવટ જઈ સંતાનો પોતાના જીવનસાથી પસંદ કરે ત્યારે એ પોતેજ શિવ બની પોતાની સૃષ્ટિનો નાશ પણ કરી નાખે છે. જે બાળકોને એ પોતાની સંપત્તિ માનતો હતો એને ઘરની બહાર કાઢી મૂકે છે. માન્યતા તૂટી અને સૃષ્ટિ ખતમ. જયારે જયારે માન્યતા તૂટે છે ત્યારે એ રુદ્ર બની સૃષ્ટિને સાફ કરી નાખે છે.

બ્રહ્મા, વિષ્ણુ અને શિવ બની માણસ માન્યતાઓના આધારે પોતાની સૃષ્ટિ ચલાવે છે. જો માન્યતાઓ સારી તો સૃષ્ટિ એટલે સ્વર્ગ. જો માન્યતાઓ નબળી તો દુનિયા સાવ ઉજડે ચમન.

ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો. શું તમને મળી ગયો?

શું ઈશ્વર છે? જો છે તો તેના સુધી કેવી રીતે પહચવું? આ સવાલોના જવાબને જ કદાચ બ્રહ્મજ્ઞાન કહેવાતું હશે. આ સવાલોના જવાબ માટે હજારો હજારો વર્ષોથી મનુષ્ય પ્રયત્ન કરી રહ્યો છે પરંતુ કોણ ખરેખર ગોતી શક્યું છે એ ખબર નથી અને જે જવાબ મળ્યા છે એ પણ સાચા છે કે કેમ એની વાત પણ કોઈ કરી શકતું નથી. દરેક ને પોતાનો જવાબ મળે છે. કેટલાક જવાબ મેળવી મુક્ત થઇ જાય છે, તો કેટલાક પોતાને જે જવાબ મળ્યો એજ સાચો એમ માની જીવે રાખે છે. કેટલાક પોતાનો જવાબ જ શ્રેષ્ઠ છે એમ માને છે તો કેટલાક પોતાનો જવાબ બીજાને ગળે ઉતારવા માટે પ્રયાસો કરતા રહે છે. અને એ પ્રયાસો ઉપદેશ થી માંડી વ્યાપક સંહાર સુધી પહોંચી જાય છે.

કેટલા બધા મતો છે. દરેક ભગવાનની સ્તુતીમાં કહેવાયું છે મનેજ ભજ બીજા કોઈને નહિ, દરેક નદી માટે કહેવાય છે જે નહાય તે પુણ્યશાળી , દરેક ધર્મસ્થાન ગેરેન્ટી આપે છે મુક્તિની, દરેક ઉપવાસ પાપ બાળી નાખવાની વાત કરે છે, કોઈક મૂર્તિ પૂજવાનું કહે છે કોઈ કહે છે ધ્યાન ધરો, કોઈ સાકાર તો કોઈ નિરાકાર ઈશ્વરની વાત કરે છે, કોઈ દ્વૈત તો કોઈ અદ્વૈત હોવાનું સ્વીકારે છે. હવન કરવા કે કથા? નામ જાપ કરવા કે પીડિતોની સેવા? આવાતો હજુ હજારો ઉપાયો હશે જે ઈશ્વર સુધી પહોંચાડવાનું કહે છે. તો સાચું શું?

આજે સુરત માં છું. સ્ટાર્ટઅપ પર લેક્ચર આપવા આવ્યો છું. હું તો બિઝનેસ નો માણસ છું. અને બિઝનેસ નો નિયમ છે. તમને જે સારામાં સારું આવડે છે એ કરો અને એ જ કરો. ફોકસ. સુરતમાં તાપી નદી પરથી ચાલીને પસાર થતા વિચાર આવ્યો કે શું આજ વાત ઈશ્વરને પણ લાગુ પડે? ચોક્કસ પડે. તમને જે પણ ફાવે છે, જે ગમે છે, જે અપીલ કરે છે એ કરો. અને બસ એ જ કરો, ચોંટી રહો. ફોકસ. બસ આજ ઈશ્વર સુધી લઇ જશે.

આ કદાચ મારો જવાબ છે જે મને સંતોષકારક લાગે છે. કોઈને દબાણ નથી કે આ જ સાચો છે અને એને સ્વીકારો. તમે તમારો જવાબ શોધવા મુક્ત છો.

લખ્યા તારીખ: 20 ફેબ્રુઆરી 2017, સુરત.

ભારતના આધ્યાત્મિક આદર્શો

મોટા ભાગના વિશ્વને તેનું ધાર્મિક શિક્ષણ ભારત પાસેથી મળ્યું છે. સતત સંઘર્ષ અને ઘર્ષણ વચ્ચે પણ આધ્યાત્મિક જ્ઞાનની પોથીઓનો ભાર વાહન કરીને, સદીઓ સુધી ભારત પોતાના આધ્યાત્મિક આદર્શોને વળગી રહ્યું છે.

– સર્વપલ્લી રાધાક્રિશ્નન

ડો. રાધાક્રિશ્નનની આ વાત હમણાં વાંચી અને અચાનક એક પ્રશ્ર્ન થયો કે એ કયા આધ્યાત્મિક આદર્શો છે જે ભારતને ટકાવી રાખે છે? એ કયા આદર્શો છે જે ભારતને આખા વિશ્વને માર્ગદર્શન આપવાનું સામર્થ્ય આપે છે?

સત્ય, અહિંસા, ત્યાગ, કરુણા, ઈશ્વર પરત્વે શ્રદ્ધા, સમતા જેવા અનેક અનેક હોઈ શકે. કયો આદર્શ વધુ સારો એવી કોઈ સરખામણી પણ ના થઇ શકે. પરંતુ મને લાગે છે અમુક આધ્યાત્મિક આદર્શો હવે ફરી બેઠા કરવાની જરૂર છે.

શિક્ષણ, વિજ્ઞાન અને સંશોધનનો આદર્શ
હજારો હજારો ઋષિમુનિઓએ આજના પશ્ચિમને પણ ભૂ પીવડાવે એવી શોધો કરી છે. આટલું વાંચીને જો છાતી ગર્વથી ફૂલી ગઈ હોય તો એટલું ચોક્કસ કહીશ કે આપણી ગાડી આર્યભટ્ટે શોધેલા શૂન્ય પર છેલ્લા બે હાજર વર્ષથી અટકી ગઈ છે. સ્વયં રામ અને કૃષ્ણ પણ શિક્ષણ મેળવા ઘર-બાર છોડી નીકળી પડતા એવા આ દેશમાં આજે શિક્ષણને નામે માત્ર અને માત્ર માહિતી વેચવાનું અને ગોખવાનું કામ ચાલે છે. અને એ પણ બહુ સીમિત લોકો માટે. શિક્ષણ અને વિજ્ઞાન એ ભારતની આધ્યાત્મિકતાનો મૂળભૂત આદર્શ છે. જો ના હોત તો રામ ગુરુકુળનો અભ્યાસ પૂરો કાર્ય પછી પણ “ઇન્ટર્નશિપ” કો કે “માસ્ટર્સ” કારમાં માટે વિશ્વામિત્ર સાથે ના જાત અને આધુનિક મિસાઈલ સાથે હૂબહૂ સામ્ય ધરાવતા શસ્ત્રોનો અભ્યાસ ના કરેત.

નવસર્જન, પરિવર્તન અને પ્રગતિનો આદર્શ:
ઇન્દ્રપ્રસ્થ બનાવવા માટે ખાંડવવનને એક વાર બાળવું પડે છે. કૃષ્ણથી વધુ પરિવર્તનશીલ કોણ હોય શકે? નથી જોયતું મારે તમારું મથુરા, હું મારી દ્વારિકા જાતે બનાવાઇશ। દરિયાની વચ્ચે બનાવીશ, સોનાની બનાવીશ। આ પરિવર્તન અને પ્રગતિ એ પણ આધ્યાત્મિકતા જ છે.

સંપત્તિના સર્જનનો આદર્શ:
કહેછે ભારત “સોનાની ચીડિયા” હતું. તો શું અમસ્તું બન્યું હતું? દરિયો ના ઓળંગાય એવા વહેમીલા નિયમોતો છેલ્લા એક હાજર વર્ષમાં બન્યા. એ પહેલા આ ભારતે આખું વિશ્વ ધમરોળી નાખેલું. દુનિયાના ખૂણે ખૂણે વહાણો ભરી ભરી વેપાર કરવા જનારી અને સંપત્તિના ઢગલા કરનારી આ ભારતીય આધ્યાત્મિકતા જ હતી એતો સત્યનારાયણની કથામાં પણ સાધુ વાણીયાની વાર્તામાં દેખાઈ આવે છે. અંધશ્રદ્ધા અને વહેમોએ, આરબોને ભારતમાં આવી વેપાર કરવાનો માર્ગ ખોલી આપ્યો. જે છેવટે 1000 વર્ષની ગુલામી અને પતન  નોતરી લાવ્યો. બાકી આ કોઈ ભિક્ષુકનો દેશ નથી. ચક્રવર્તી  ભરતથી લઈને ચાણક્ય, બુદ્ધ, ભૃતહરી અને ભામાશાનો આ દેશ છે જ્યાં લોકો જિંદગી આખી સત્યના પંથે રહી ધનના અંબાર ખડકતા, મહાનતમ સામ્રાજ્ય ઉભા કરતા અને સમય આવ્યે બધુજ પડતું મૂકી આગળ ચાલી નીકળતા. એમાંથીજ તો ચીન, જાપાન સહીત આખું દક્ષિણ એશિયા જે માને છે બૌદ્ધ ધર્મનો ઉદય થયો.

આ આધ્યાત્મિક આદર્શો તરફ પાછા વાળવું જરૂરી છે, જો ભારતમાતાને જગદ્ગુરુ તરીકે ખરેખર જોવી હોય ક્યારેય તો.

મહાત્મા ગાંધીજી ને જોયા છે?

આપણો સામાન્ય અનુભવ છે કે જે વસ્તુ અને વ્યક્તિ સતત આપણી સાથે આપણી પાસે હોય તે આપણા માટે અત્યંત સામાન્ય બની જાય છે. તેની હાજરી, અસ્તિત્વ, ગુણ, દોષ અરે ચહેરા સુધીનું બધું આપણા જીવનમાં એવી રીતે વણાય જતું હોય છે કે તેની દરકાર લેવાનું જ ભુલાઈ જાય છે. પછી એ ચહેરો માતાનો હોય, મહાદેવનો હોય કે મહાત્માનો હોય દરેક માટે આ સત્ય છે. મહાત્મા ગાંધીજી ને આમતો આપણે ઘણી વાર જોયા છે. પણ નોટો પર છપાયેલા તેમના ફોટાએ તેમને આપણા માટે એટલા બધા સામાન્ય કરી દીધા છે કે આપણે ભૂલીજ ગયા છીએ કે તે “કોણ છે”. દેશ અને વિદેશનું નાનામાં નાનું બાળક પણ એના ચહેરાના ઓળખે છે પણ એ ચહેરો રોજ એટલી બધી વખત જોવાય છે કે એ ચહેરા ને ખરેખર “જોવા” નું ક્યારેય બનતું જ નથી અને ઈચ્છા પણ નથી થતી.

ગયા અઠવાડીએ અમદાવાદમાં રહેવાનું થયું. વહેલી સવારે નીકળી થોડું ચાલ્યો. થોડું એટલે આમતો ૬-૭ કિલોમીટર જેટલું. ચાલતા ચાલતા કોઈ મકાન પર ધ્યાન ગયું. આમતો સાવ સામાન્ય મકાન કોઈ મોટું બોર્ડ નહિ લોકોની ખાસ અવાર જવર નહિ. બહાર દીવાલો પર મહાત્મા ગાંધીના કેટલાક વાક્યો લખ્યા છે અને એક નાના બોર્ડ પર સત્યાગ્રહ આશ્રમ એવું લખ્યું છે. બીજું અલગ અલગ નાનું મોટું લખાણ છે. એ બધું વાચતો વાંચતો આગળ ચાલ્યો ગયો. અચાનક શી ખબર પાછો વળ્યો. થયું લાવને અંદર જઈને જોવ.

અંદર ખાસ માણસો ન હતા. બહાર કોઈ રખેવાળ કે અન્ય કર્મચારી જેવા માણસે મકાનની અંદર જવાનો રસ્તો બતાવ્યો. આ સત્યાગ્ર આશ્રમ એ ૧૯૧૫ માં ગાંધીજી એ શરુ કરેલો કોચરબ આશ્રમ. નાનું શું સરસ મજાનું મકાન અને એક અદભુત આધ્યાત્મિક શાંતિ. કુલ મળી ને ૪ ખંડ છે નાના નાના. એક માફકસરના ખંડ માં ગાંધીજીનો એક ફોટો મુકેલ છે અને નીચે રેટીઓ છે. એ ચિત્ર સામે બેસવાનું મન થયું અને લગભગ ૨૦ મિનીટ સુધી બેઠો. એ વ્યક્તિ ને નજીક થી “જોઈ” અને એક દિવ્ય આનંદ મળ્યો. એમના ચેહરો જે કેટલાય વર્ષોથી હાથ માંથી પસાર થાય છે એ નિરાતે એક વાર જોવા જેવો છે. શાંતિ ને આનંદ ની અનુભૂતિ થશે. આ એ ફોટો છે.

Mahatma Gandhi

આ નસીબ કહો કે જે કહો તે પણ એજ દિવસે બપોર પછી ગાંધીનગર ના મહાત્મા મંદિર માં દાંડીકુટીરમાં જઈ શકાયું. આમતો હજુ ઘણું કામ થશે એમાં એવું સ્પષ્ટ દેખાઈ આવે પણ અત્યારે પણ જે રીતે મહાત્મા ગાંધી ના જીવન ને એમાં રજુ કરવામાં આવ્યું છે એ ખરેખર પ્રસંશાને પત્ર છે. લગભગ ૨.૫ કલાક સુધી આ પ્રદર્શન જોતા જોતા પ્રેમ, સત્ય, શાંતિ, આનંદ, જેવી અનેક લાગણીઓથી મન ઉભરાય ગયું. જીવનને આગળ ધપાવવાનું મોટીવેશન પણ મળ્યું. બાળક તરીકે આજથી લગભગ ૧૭-૧૮ વર્ષ પહેલા મહાત્મા ગાંધીની “સત્ય ના પ્રયોગો” વાંચેલી. હવે થાય છે એ ફરી વાંચવાનો અને સમજવાનો સમય થઇ ગયો છે.

હું પડકાર ઝીલનારો માણસ છું….

ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ લખેલી સુંદર કવિતા…… ખુબ સરસ છે.

આમાં મેં થોડા સુધારા કર્યા છે, ક્ષમાપ્રાર્થનાની વિનંતી

પ્રારબ્ધને અહિયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું.
હું તેજ ઉછીનું લઉં નહિ, હું જાતે બળતું ફાનસ છું.

આગિયાઓ નો મોહતાજ નથી, મને મારું અજવાળું પુરતું છે.
અંધારાના વમળને કાપે, કૃષ્ણ તેજ તો સ્ફૂરતું છે.
ધુમ્મસ ભલેને ગાઢ વળે, હું ખુલ્લો અને પ્રકાશિત છું.
રસ્તાથી આહિયા ડરે છે કોણ? હું તો પડકાર ઝીલનારો માણસ છું.

કુંડળીને વળગવું ગમે નહિ, ને ગ્રહો કને શિર નમે નહિ
કાયરોની શતરજ પર જીવ, સોગઠાબાજી રમે નહિ.
હું પોતે મારો વંશજ છું, હું પોતે મારો વારસ છું
મૃત્યુથી અહિયાં ડગે છે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું.

ફરે તે ચરે, બાંધ્યો ઘોડો ભૂખે મરે

ગઈ કાલે રાત્રે સ્વામીનારાયણ અક્ષરપુરશોત્તમ સંસ્થાન (બી એ પી એસ) દ્વારા બનાવવામાં આવેલ ફિલ્મ મિસ્ટિક ઇન્ડિયા જોઈ. આ સંસ્થા દ્વારા પ્રોફેશનલ ઢબે કરવામાં આવતા ધર્મ અને સેવા કર્યોના લીધે તેના પર મને વિશેષ માન છે. મંદિરની ચોક્ખાઈ, કાર્યકરોની વર્તણુક, સંતોનો અભ્યાસ આ બધાની તોલે આવી શકે તેવા બહુ ઓછા સંપ્રદાયો છે.

ફિલ્મ ભગવાન સ્વામીનારાયણના બાળપણ એટલેકે નીલકંઠ પર છે. કઈ રીતે અગિયાર વર્ષનો બાળક નીલકંઠ પોતાનું ઘર છોડી ૭ વર્ષમાં ૧૨૦૦૦ કિલોમીટરની પગપાળા યાત્રા કરી ભારત ભ્રમણ કરે છે તે આ ફિલ્મમાં બહુ સુંદર રીતે બતાવ્યું છે. આધ્યાત્મિક રીતે જો ભૂલી જઈએ કે એ ઈશ્વરનાજ અવતાર હતા તો ચોક્કસ પણે કહી શકાય કે નીલકંઠની સ્વામીનારાયણ સુધીની યાત્રા અને આ ભારત યાત્રા બંને એક જ છે. આ યાત્રા એજ તેમને એક વિશાળ સંપ્રદાયની સ્થાપના માટે ઘડ્યા છે.

અને આ માત્ર તેમના માટેજ નહિ લગભગ દરેક મહાન વ્યક્તિ માટે સાચી વાત છે. શંકરાચાર્ય અને વલ્લભાચાર્ય થી માંડી સ્વામી વિવેકાનંદ સુધીના સિદ્ધ પુરુષોએ ભારતભરની યાત્રા કરી છે. અને સ્વામી વિવેકાનંદે તો સીમાઓ વટાવી વિવિધ દેશો અને ખંડોની યાત્રા કરેલ છે. પ્રાચીન ભારતના રામ અને કૃષ્ણ હોય કે મધ્ય યુગના ચાણક્ય. ભારતને એક સુત્ર થી બાંધનાર સમ્રાટ ચંદ્રગુપ્ત હોય કે ખરેખર આપ બળે ભારતના મહા પ્રધાન બનનાર નરેન્દ્ર મોદી. આ સર્વના જીવનને જો જોવામાં આવે તો એક વાત સ્પષ્ટ પણે સામાન્ય મળી આવશે અને તે છે એમના જીવનમાં એમણે કરેલ પ્રવાસો. આજ પ્રવાસોએ આ મહામાનવોને જીંદગી જીતવાનું ભાથું બાંધી આપ્યું. હજારો લોકો નો સંપર્ક, ઠેક ઠેકાણેથી મળેલ જીવનોપયોગી સમજણ, અલગ અલગ સંસ્કૃતિનો પરિચય આ બધું મનુષ્યને એવું જ્ઞાન આપે છે જે પુસ્તકો માંથી પણ કદાચ નથી મળતું. એટલેજ તો ગોપાલકૃષ્ણ ગોખલે એ મોહનદાસ ગાંધીને ભારત એક પણ ભાષણ કાર્ય વગર એક વર્ષ સુધી સમગ્ર ભારતની યાત્રા કરવાનું સુચન કર્યું હતું. આ યાત્રા જ મોહનદાસ ની મહાત્મા સુધીની યાત્રા બની ગઈ.

એટલેજ આપણા શાસ્ત્રો માં પણ યાત્રા કરવા અને દેશ વિદેશો જોવા કહેવામાં આવ્યું હશે. દરેક નવયુવાનો એ પોતાના વર્ષનો અમુક ભાગ યાત્રા અને પ્રવાસ પાછળ કાઢવો જોઈએ. માતા પિતાએ બાળકના વિકાસનાં આ મહત્વપૂર્ણ સાધનને ભૂલવું ના જોઈએ. બીઝનેસમેને ધંધાને વધારવા માટે હમેશા ક્ષિતિજની બહાર જોતા શીખવું જોઈએ.

કહે છે ને, ફરે એ ચરે, બાંધ્યો ઘોડો ભૂખે મરે.

માન્યતાના બંધન માંથી મુક્તિ

મારી ત્રણ મહિનાની નાની દીકરીને ચમચીથી કડવાટ પીવડાવવામાં આવે છે. દરેક બાળકની જેમ તેને પણ કડવાટ ભાવતી નથી. માટે હવે એવું થઇ ગયું છે કે ચમચી એના હોઠ સુધી પહોચે એટલે મોઢું બગાડે છે. ભલે પછી ચમચીમાં કઈ પણ હોય. તેણે માની લીધું છેકે ચમચીમાં માત્ર કડવાટ જ હોય. અમને જોવાની બહુ મજા પડે છે.

પણ પછી એવો વિચાર આવ્યો કે આવું શા માટે થયું? આવું એટલા માટે થયું કે વ્યક્તિ ત્રણ મહિનાની હોય કે ૩૦ વર્ષની એ માન્યતા ઉપર જીવે છે. અને આ માન્યતા જ તેને હમેશા બાંધી રાખે છે. ભૂતકાળનો કોઈ સારો કે ખરાબ અનુભવ, ભલે પછી એ પોતાનો હોય કે બીજાનો, માણસ એના પરથી ભવિષ્યની માન્યતા બાંધી લે છે. અને એ મુજબ જીવે જાય છે. ક્યારેક તો અનુભવ વગર પણ માત્ર ડર ના લીધે જ માન્યતા બાંધી લે છે. માત્ર માન્યતા નહિ, પોતાની જાતને પણ બાંધી લે છે.

એક હાથી ના બચ્ચાને મહાવતે જન્મતા વેત એક દોરડાથી બાંધી દીધું. તાજું જન્મેલું બચ્ચું થોડો સમય તો એમનેમ પડ્યું રહ્યું. પછી ઉભા થવાની કોશિશ કરી, ચાલવાની કોશિશ કરી. થોડું ચાલ્યા પછી આગળ ના જવાયું. પગમાં બાંધેલું દોરડું આગળ નહોતું જવા દેતું. બચ્ચાએ ઘણી મહેનત કરી પણ દોરડું છૂટ્યું નહિ.બચ્ચું ફસડાઈ પડ્યું. બીજે દિવસે ફરી મહેનત કરી પણ પરિણામ ના મળ્યું. બચ્ચું નાનું અને અશક્ત હોવાને લીધે રોજ નિષ્ફળ પ્રયત્નો કરતુ રહ્યું અને એમ કરતા મોટું થતું રહ્યું. એક સમય એવો આવ્યો કે તેણે પ્રયાસ કરવાનો જ છોડી દીધો. દોરડાના બંધનને પોતાની નિયતિ અને જીવનની વાસ્તવિકતા સ્વીકારી લીધી. બચ્ચું હવે મોટો અલમસ્ત હાથી બની ગયો છે. વિશાળ… જાણે કાજળનો પહાડ…..ધરતી ધ્રુજાવતો, મહાકાય વૃક્ષનોને ઉખાડી દેવાની શક્તિ ધરાવતો એ ગજરાજ હજુ પેલા દોરડાના બંધન માં જીવે છે. અત્યારની એની શક્તિ મુજબ તો એવા પચાસ દોરોડા એક સાથે પણ તેને બાંધી રાખી શકે તેમ નથી, પણ શું થાય… માન્યતાના બંધનને તોડી શકે એમ નથી.

માતા-પિતા, ધર્મ, શિક્ષક અને શિક્ષણ પ્રથાની ફરજ, કાર્ય, કર્તવ્ય છે કે તે વ્યક્તિને નબળી માનસિકતાઓ અને માન્યતાઓ માંથી મુક્ત થવાની પ્રેરણા આપે. ડર ને દુર કરે, વ્યક્તિ ને અભયત્વ આપે. પણ અફસોસ કે આ દરેકે જ માણસને માન્યતાઓના બંધનમાં રાખવાનું કાર્ય કર્યું છે. કોઈને કોઈ રીતે માણસને ડરપોક બનાવે છે. ક્યારેક સભ્યતાના નામે, ક્યારેક ધર્મ ના નામે, ક્યારેક ખોટી કેળવણીથી કે કોઈ પણ રીતે. નાના બચ્ચાને આ ક્યારેય ગજરાજ બનવાજ નથી દેતા.

હનુમાન જેવા ભાગ્યશાળી બહુ ઓછા હોય છે જેને જાંબુવાન જેવા માર્ગદર્શક મળે છે. જે ખરેખર વ્યક્તિની ક્ષમતાને ઢંઢોળી તેને ઉડવા માટે પ્રોત્સાહિત કરે છે, માન્યતાનો ના બંધનથી મુક્ત કરે છે.

દરેક બાળક એટલું શક્તિશાળી છે કે પહાડને ઉચકીને લઇ આવે, સમુદ્ર પર પુલ બાંધી દે, જગત માટે ઉપયોગી કશુક સર્જન કરે. બસ તેને એટલું કહેવું પડે…. “અપને બલ કા કછુ ધ્યાન કરો….ઓ મહાવીર હનુમાન”

શુભ દીપાવલી તથા નુતન વર્ષાભિનંદન

રજા, મીઠાઈઓ, રંગ, રંગોળી, ફટાકડા, આવાજ, પ્રકાશ, મહેમાન, મુખવાસ, સાકર, ફાફડા, ઘૂઘરા, અન્નકૂટ, સ્નેહ, સ્નેહ મિલન, સાલ મુબારક, દીવો અને કોડિયું……

આ છે દિવાળી. જો ન આવતી હોત તો શું થાત એની કલ્પના પણ ના કરી શકાય. અને આમાંથી કોઈ એક પણ દિવાળી માં ના હોય તે ના ચાલે. દરેકનું પોતાનું આગવું મહત્વ છે. ખાસ કરીને કોડિયું. વધારે કશું આના વિષે કહેવા કરતા નીચે લખેલું સુંદર ગીત વધુ સારી રીતે રજુ કરી શકશે. સહુને શુભ દિપાવલી અને નુતન વર્ષાભિનંદન.

કોડિયું નાનું ભલે ને હું…

સદાયે રહેતું ઝગમગતું……. કોડિયું…..

સુરજ પાસેથી શીખ સહુને મળે છે

પથદર્શક બનનારે બળવું પડે છે

સાક્ષાત સંદેશો સૂરજનો છું…. કોડિયું…..

જગ આખું બગડ્યું છે કોણ એ સુધારે

દંભી ને કામચોર એવું વિચારે

તિમિર દુર કરું હું નિરાશાનું……. કોડિયું…

સામટું આવેને ભલે જગનું અંધારું

તોયે હૈયાની હું હિંમત ના હારું

સ્પર્શે ના લાધવનું અંધારું….. કોડિયું….

મારાથી થાય શું એ કદી ના વિચારું

શક્તિ મારી બધીયે કામે લગાડું

સંતાન આખારતો સુર્ય તણું છું….. કોડિયું….

રાખી બાંધત યશોદા મૈયા – રક્ષાબંધન

રાખી બાંધત યશોદા મૈયા | બહુ શ્રુંગાર સજે આભુષણ ગીરીધર ભૈયા ||

રત્નખચિત રાખી બાંધી કર પુનપુન લેત બલૈયા ||

સકલ ભોગ આગે ધર રાખે તન કજુ લેહુ કન્હૈયા||

યહ છબી દેખ મગ્ન નંદરાની નીરખ નીરખ સચુપૈયા ||

જીયો યશોદા પુત તિહારો પરમાનંદ બલજૈયા ||

રક્ષાબંધન આમતો ભાઈ બહેન નો ઉત્સવ છે. પરંતુ આ દિવસે માતાઓ પણ પોતાના સંતાનને રક્ષા બાંધે છે જેના અનેક ઉદાહરણ છે. મહાભારતના યુદ્ધ વખતે કુંતાએ અભિમન્યુને રાખડી બાંધેલી તે બધાને ખ્યાલ છે.

ભજનો ની એક લાક્ષણીકતા હોય છે. કોઈ પણ ભાષામાં લખેલ હોય જો મન દઈને સંભાળો કે વાચો તો ચોક્કસ પણે એક એક અક્ષર સમજી શકાય.

ઉપર લખેલું પદ પરમાનંદ દાસની રચના છે જે હવેલી સંગીત માં બહુ આગવું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં જેમ દરેક નાના પ્રાંત માં અલગ ગુજરાતી બોલાય છે. કાઠીયાવાડના ગામડાઓની ગુજરાતી સમજવી અને બોલાવી એ અમદાવાદની ચાંપલી નવી પેઢી તો શું જુના જોગીઓનું પણ ગજું નહિ. ઉપરનું પદ એજ રીતે વ્રજની ગ્રામ્ય ભાષામાં લખાયેલું છે જે મૂળ હિન્દી કરતા ઘણું અલગ છે.

પણ જેમ આગળ કહ્યું એમ ભક્તિ ને ભાષાનું બંધન નથી. યશોદાએ કૃષ્ણને રાખડી બાંધી એ પ્રસંગનું સુંદર વર્ણન કદાચ આથી વધુ સરળ અને શૃંગારિક શૈલીમાં ના થઇ શકે.